લેબર નેતાગીરી માટે પાંચ ઉમેદવાર મેદાનમાં

Wednesday 22nd January 2020 02:45 EST
 
 

લંડનઃ ડિસેમ્બર ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના પરાજયના પગલે જેરેમી કોર્બીનના સ્થાને નવા નેતા ચૂંટવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે અને ચાર મહિલા સાથે પાંચ ઉમેદવાર બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પાર્ટીના નેતૃત્વની દોડમાં સર ક્રેમર સ્ટાર્મર, રેબેકા લોન્ગ-બેઈલી, જેસ ફિલિપ્સ અને લિસા નાન્દીની સાથે એમિલી થોર્નબેરી પણ જોડાયાં છે. જોકે, મુખ્ય સ્પર્ધા સર ક્રેમર અને વર્તમાન પાર્ટી લીડર કોર્બીનની નિકટ મનાતાં રેબેકા લોન્ગ-બેઈલી વચ્ચે હોવાનું જ મનાય છે.

શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી સર ક્રેમર સ્ટાર્મર ૮૬ નોમિનેશન સાથે પ્રથમ સ્થાને અને રેબેકા લોન્ગ-બેઈલી ૩૩ નોમિનેશન સાથે બીજા સ્થાને રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે નોમિનેશન્સ બંધ થવાની ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે શેડો મિનિસ્ટર એમિલી થોર્નબેરી ૨૨ સાંસદના સમર્થન સાથે નેતાગીરીની સ્પર્ધામાં સામેલ થઈ શક્યાં હતાં. ક્લાઈવ લૂઈસ સ્પર્ધાની બહાર ફેંકાયા છે. હવે ટ્રેડ યુનિયનો દ્વારા તેમજ લિવરપૂલ, ડરહામ, બ્રિસ્ટોલ, કાર્ડિફ, બર્મિંગહામ, ગ્લાસગો અને લંડનની સ્થાનિક પાર્ટી શાખાઓનાં નોમિનેશન્સ માટે હરીફાઈ થવાની છે.

યુગવના ૧૩-૧૫ જાન્યુઆરીના ગાળાના લેબર પાર્ટીના ૧,૦૦૫ સભ્યોના બીજા પોલમાં સ્પષ્ટ થયું છે કે સર ક્રેમર મતદાનમાં ૬૩ ટકા સાથે પ્રથમ રહે છે અને રેબેકાને ૩૭ ટકા મત મળશે. આ પોલમાં મતાધિકાર માટે ૨૫ પાઉન્ડની ફી ચૂકવનારા નોંધાયેલા સમર્થકો- બિનસભ્યોનો અને સંકળાયેલા યુનિયનોના સભ્યોનો સમાવેશ થયો નથી.

પાર્ટીના પ્રથમ પોલમાં પણ સર ક્રેમર આગળ હતા. સર ક્રેમરને યુકેના સૌથી મોટા યુનિસેન તેમજ પૂર્વ નેતા એડ મિલિબેન્ડનું પીઠબળ છે. જ્યારે રેબેકાને કોર્બીનની નિકટના નેતાઓ, શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલ અને ચૂસ્ત ડાબેરીઓનું સમર્થન છે. જોકે, કોર્બીને હજુ રેબેકાને ખુલ્લો ટેકો જાહેર કર્યો નથી. યુનિયન ડેપ્યુટી લીડર ટોમ વોટસનનું સ્થાન હાંસલ કરવા માટે પણ પાંચ ઉમેદવાર મેદાનમાં છે જેમાં, એન્જેલા રેનેર, ઈઆન મરે, રોસેના અલીન-ખાન, ડાઉન બટલર અને રિચાર્ડ બર્ગોનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter