લેબર પાર્ટીએ વ્હીસલબ્લોઅર્સની માફી માગીઃ £૫૦૦,૦૦૦ની ચૂકવણી કરાશે

Wednesday 29th July 2020 05:34 EDT
 
 

લંડનઃ સર કેર સ્ટાર્મરના નેતાપદ હેઠળની લેબર પાર્ટીએ લંડનની હાઈ કોર્ટમાં યહુદીવાદવિરોધી સાત વ્હીસલબ્લોઅર્સ વિરુદ્ધ કરાયેલા ‘બદનક્ષીકારી અને ખોટા આક્ષેપો’ બદલ સત્તાવાર માફી માગી હતી. આ સમાધાનના ભાગરુપે લેબર પાર્ટી ૫૦૦,૦૦૦ પાઉન્ડની ચૂકવણી કરશે. આ પગલું જેરેમી કોર્બીનના નેતાપદ હેઠળના પક્ષની નીતિથી અલગ માર્ગ ચાતરે છે. ગત વર્ષે બીબીસી પેનોરેમા દ્વારા ઈન્વેસ્ટિગેશન્સ પછી વ્હીસલબ્લોઅર્સે બદનક્ષી બદલ લેબર પાર્ટી સામે કાનૂની કાર્યવાહી કરી હતી. લેબર પાર્ટીએ કાર્યક્રમ વિરુદ્ધ કરેલા આક્ષેપો પણ પાછા ખેંચી લીધા હતા.

જેરેમી કોર્બીનના નેતાપદ હેઠળની લેબર પાર્ટીમાં યહુદી લોકો વિરુદ્ધ તિરસ્કારને ખુલ્લો દોર આપી દેવાયો હતો. ગયા વર્ષે બીબીસી પેનોરેમા દ્વારા ઈન્વેસ્ટિગેશન્સના ઘટસ્ફોટ પછી સાત વ્હીસલબ્લોઅર્સે હાઈ કોર્ટમાં પાર્ટી વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આ દાવામાં સમાધાન કરાયું હતું અને લેબર પાર્ટીએ સત્તાવાર માફી સાથે વળતર અને લીગલ ફી તરીકે ૫૦૦,૦૦૦ પાઉન્ડની ચૂકવણી કરવા સંમતિ દર્શાવી હતી. આ ઉપરાંત, ડોક્યુમેન્ટરીમાં જનતાને ગેરમાર્ગે દોરવા માટે ઈરાદાપૂર્વકની અને દ્વેષપૂર્ણ ગેરરજૂઆતોનો ખોટો આક્ષેપ કરવા બદલ લેબર પાર્ટીએ પેનોરમા કાર્યક્રમ બનાવનાર જર્નાલિસ્ટ જ્હોન વેરને પણ નોંધપાત્ર ડેમેજીસ ચૂકવવા સંમતિ દર્શાવી છે.

પાર્ટીમાં લાંબા સમયથી એન્ટિ-સેમેટિઝમ નિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા જ્યુઈશ લેબર કાર્યકર્તાઓ એને સાંસદોએ આ નિર્ણયને આવકાર્યો હતો. જોકે, પક્ષમાં વિખવાદના સ્પષ્ટ સંકેત તરીકે કોર્બીનના કટ્ટર ડાબેરી સમર્થકોએ લેબર પાર્ટીના ફંડના દુરુપયોગ કરાયાનો આક્ષેપ કર્યો હતો. બીબીસી પેનોરેમા દ્વારા ‘ઈઝ લેબર એન્ટિ-સેમેટિક?’ કાર્યક્રમ ગત વર્ષે જુલાઈમાં રજૂ કરાયો હતો અને તેમાં લેબર પાર્ટીમાં યહુદીવાદવિરોધી ફરિયાદોનો નિકાલ કરવામાં પાર્ટીની આંતરિક સંસ્કૃતિ બાબતે ગંભીર દાવાઓ કરાયા હતા. જોકે, તત્કાલીન લેબરનેતા જેરેમી કોર્બીન અને મોમેન્ટમ ગ્રૂપના સ્થાપક જોન લેન્સમેને કાર્યક્રમ પછીના નિવેદનોમાં જણાવ્યું હતું કે પરિણામો પૂર્વનિર્ધારિત હતાં.

વ્હીસલબ્લોઅર્સના વકીલ માર્ક ફ્રાન્સિસે જણાવ્યું હતું કે બદનક્ષીકારક દાવાઓનું પુનરાવર્તન કરનારા અને ભવિષ્યમાં કરનારા કોર્બીનવાદીઓ સામે તેઓ વધુ કાનૂની કાર્યવાહી કરશે. આ નિવેદનો પછી આઠમાંથી પૂર્વ લેબર સ્ટાફર્સ એવા સાત વ્હીસલબ્લોઅર્સે અગ્રણી મીડિયા લોયર માર્ક લેવિસને પક્ષની વિરુદ્ધ કાર્યવાહીની સૂચના આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter