લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, લોકોની મારા પ્રત્યેની નારાજગી ન જોઇ શકું એટલો અંધ હું નથી. વડાપ્રધાને મતદારોને ટોરીઝને સમર્થન પાછું ખેંચવા આડે તેમના વ્યક્તિગત વાંધાને હાવી ન થવા દેવા અપીલ કરી હતી.
લંડનમાં પ્રચાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મતદારો કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપવામાં ખચકાઇ રહ્યાં છે તે હું સારી રીતે જાણુ છું. છેલ્લા કેટલાક વર્ષમાં અમે બધુ સમુસુતરું કરી શક્યાં નથી. જો કે તેમણે ટોરી મતદારોને યાદ અપાવી હતી કે 4 જુલાઇનું મતદાન કોઇ પેટા ચૂંટણી નથી કે મારા પર કોઇ જનમત નથી. હું તેમને વ્યાપક ચિત્ર જોવાની અપીલ કરું છું.
સુનાકે જણાવ્યું હતું કે, લેબર સરકારથી બ્રિટનને બચાવવા માટે તમારી પાસે ફક્ત 10 દિવસ છે. જો લેબર સત્તામાં આવશે તો તેઓ એક દાયકા સુધી સત્તામાં ટકી રહેશે. હું સારી રીતે સમજી શકું છું કે મતદારો અમને ફરી એકવાર સમર્થન આપતા ખચકાઇ રહ્યાં છે. મારી પાર્ટી સામેની નારાજગી ન જોઇ શકું તેટલો અંધ નથી. હા અમે બધી સફળતા હાંસલ કરી નથી પરંતુ કેટલીક બાબતોમાં અમે જરૂર સફળતા પ્રાપ્ત કરી છે. આ દેશના ભવિષ્યની પસંદગીનો સવાલ છે. આગામી પાંચ વર્ષ કેવી સરકાર નેતૃત્વ કરે તેની પસંદગી કરવાની છે. તેમણે ટોરી સમર્થકોને લેબરને શરણે ન જવાની અપીલ કરી હતી.

