લેબર પાર્ટીના નેતા ચૂંટાયા પછીનું ચિત્ર કેવું હશે?

Monday 19th September 2016 11:12 EDT
 
 

લંડનઃ આંતરિક વિખવાદથી છવાયેલી લેબર પાર્ટીના નેતા કોણ બનશે તેના પડઘમ વાગી રહ્યા છે. વર્તમાન નેતા જેરેમી કોર્બીન અને પૂર્વ શેડો વર્ક એન્ડ પેન્શન્સ મિનિસ્ટર ઓવેન સ્મિથ વચ્ચે નેતાપદની સ્પર્ધા છે. ઓગસ્ટ ૨૨થી મતદાન શરુ કરાયું છે અને બુધવાર, ૨૧ સપ્ટેમ્બરની બપોરે મતદાન પૂર્ણ થશે. લિવરપૂલમાં શનિવાર, ૨૪ સપ્ટેમ્બરે પાર્ટીના વિશેષ અધિવેશનમાં વિજેતા નેતાની જાહેરાત કરી દેવાશે. જોકે, નેતાની જાહેરાત પછી શું થશે તેના પર બધાની નજર છે. જો સ્મિથનો પરાજય થાય અથવા વિજય થાય તો શું થશે, કોર્બીનનો વિજય થાય તો પક્ષમાં ભંગાણ સર્જાશે કે ઘીના ઠામમાં ઘી ઢળી રહેશે તે સહિત અનેક ચિત્રો પર નજર નાખવી જરૂરી છે.

૧. સ્મિથનો વિજયઃ નવી લડાઈના મંડાણ

નેતાપદની સ્પર્ધામાં ઓવેન સ્મિથ જીતે તેમ માનનારાની સંખ્યા ઘણી જ ઓછી છે. જોકે, જેરેમી કોર્બીનને હટાવવા તત્પર લોબિઈંગ ગ્રૂપ સેવિંગ લેબર દ્વારા મત આપવા ૨૫ પાઉન્ડ ચુકવવા રાજી નોન-મેમ્બર્સ તેમજ ટ્રેડ યુનિયનના સહયોગીઓનો અસરકારક ટેકો મળ્યાનો દાવો કરાયો છે. પોન્ટીપ્રિડના સાંસદે પોતાને એકતાના ઉમેદવાર તરીકે રજૂ કરી કોર્બીનને લેબર પ્રેસિડેન્ટનો નવો હોદ્દો આપવા કરેલી ઓફર કોર્બીને ફગાવી છે. સ્મિથના વડપણ હેઠળની લેબર પાર્ટી કોર્બીનની સાથે રહેવા ન ઈચ્છતા ઘણા નેતાઓને પાછા આકર્ષી શકશે. જોકે, કોર્બીનતરફી સાંસદો બેકબેન્ચીસ પર જઈ નવા નેતા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કોર્બીનતરફી ગ્રાસરુટ્સ કેમ્પેઈન ગ્રૂપ મોમેન્ટમ સાથે સંઘર્ષમાં ઉતરવું કે કેમ તે પણ સ્મિથે વિચારવું પડશે. સ્મિથે મોમેન્ટમ ગ્રૂપને ‘પાર્ટી વિધિન પાર્ટી’ ગણાવી ૧૯૮૦ના દાયકામાં પાર્ટીમાંથી હાંકી કઢાયેલા હાર્ડલેફ્ટ ગ્રૂપ ‘મિલિટન્ટ’ સાથે સરખાવ્યું છે.

૨. કોર્બીનનો વિજયઃ શાંતિ-સુલેહની નવી આશા

જેરેમી કોર્બીને તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ વેસ્ટમિન્સ્ટર ઓફિસમાં નવુ ઓલિવ વૃક્ષ ઉગાડી રહ્યા છે અને તેની ડાળખી બંડખોર સાંસદો સામે ધરી તેમની શેડો કેબિનેટમાં પાછા ફરવા અનુરોધ કરશે. બિનવફાદારને દૂર કરવાની ધમકીઓ મદદે ન આવે, પરંતુ કેટલાક બળવાખોરો આ ઓફર સ્વીકારી શકે છે. કોર્બીનના ટીકાકાર લેબર સાંસદો પણ માને છે કે પક્ષના શિરે થેરેસા સરકારના અસરકારક વિરોધની જવાબદારી છે અને સભ્યોની પસંદને માન્ય રાખવી જોઈએ. જો કોર્બીન અને જ્હોન મેક્ડોનેલ સહિત તેમના સાથીઓ સમાધાની સૂર જાળવી રાખશે તો શેડો કેબિનેટ બનાવવા માટે સંપૂર્ણ સહકાર મેળવી એકતાનું પ્રદર્શન કરી શકશે.

૩. કોર્બીનનો વિજયઃ ધોવાણનો સંઘર્ષ

સ્મિથ સહિતના બંડખોર સાંસદો ભંગાણની વાતો કરતા હોવાં છતાં સાંસદો અન્ય પાર્ટીમાં જવાની કે નિષ્ક્રિય રહેવાની તૈયારી કરતા હોય તેમ દેખાતું નથી. કેટલાકને કોર્બીન સાથે કામ કરીને લાભ મળે તેવી શક્યતા જણાતી નથી ત્યારે હિલેરી બેન અને એમ્મા રેનોલ્ડ્સ જેવાને બ્રેક્ઝિટ સિલેક્ટ કમિટી સહિત હાઈ પ્રોફાઈલ બેકબેન્ચ કમિટીઓમાં મુખ્ય ભૂમિકાની તલાશ છે. ચુકા ઉમન્ના અને ઈવેટ કૂપરને હોમ એફેર્સ કમિટીનું અધ્યક્ષસ્થાન જોઈએ છે. કેટલાક સાંસદો બેકબેન્ચીસ પરથી સરકારનો વિરોધ કરવા જૂથ બનાવી કામ કરવાની યોજના ઘડે છે. આ સીનારિયો મધ્યે, શેડો કેબિનેટની રચના સહિત કોર્બીનના દરેક પગલાં પર નજર રખાશે અને તેમને નબળા પાડવાની કોઈ તક જતી નહિ કરાય. આખરે તો પાર્ટીના ધોવાણની જ દિશા બની રહેશે.

૪. કોર્બીનનો વિજયઃ પાર્ટીમાં ભંગાણ

વેસ્ટમિન્સ્ટરમાં ઘણા લેબર સાંસદો ફ્રન્ટબેન્ચ પર કામ કરી શકતા નથી તેમનામાં હતાશા વધી રહી છે. જોકે, પક્ષમાં ભંગાણની અફવા અને અટકળોને દબાવી દેવાય છે. લેબર પાર્ટીના બંડખોર સાંસદો ૧૯૨૭ની ચૂંટણી સમજૂતી અનુસાર કો-ઓપરેટિવ પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરવાની સોદાબાજી વિચારી રહ્યા છે. તેઓ કો-ઓપરેટિવ પાર્ટી માટે નવા ૧૦૦થી વધુ સાંસદોને જીતાડવા પ્રયાસ કરશે જેથી, આગવા વ્હીપની નિયુક્તિ થાય અને નીતિઓ વિકસાવી શકાય. જોકે, કો-ઓપરેટિવ પાર્ટીની નેતાગીરી આવા પગલાંનો વિરોધ કરી રહી છે.

બીજી તરફ, લિબરલ ડેમોક્રેટ્સે મવાળ લેબર સાંસદોને પોતાની સાથે જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. મતક્ષેત્રના સીમાંકનમાં જે સાંસદો બેઠક ગુમાવશે તેમને લિબ ડેમ્સ તરીકે ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવશે. જોકે, આ પાર્ટીએ માત્ર આઠ ટકા મત મેળવ્યા છે તેયારે તેની સાથે જોડાવા લેબર સાંસદો તૈયાર થશે કે કેમ તે અનિશ્ચિત છે.

૫. કોર્બીનનો વિજયઃ પાર્ટીમાં રહીને નવી પાર્ટીની રચના

સલામત બેઠકો ધરાવતા સહિત ઘણા મધ્યમમાર્ગી સાંસદો ભંગાણ થકી નવી પાર્ટી રચવા તૈયાર નથી. આમ છતાં, પક્ષ પર અંકુશ જતો કરવા પણ રાજી નથી. કોર્બીનનો વિજય થવાની સ્થિતિમાં પક્ષમાં રહીને જ ‘મોમેન્ટમ’ પ્રકારનું જૂથ ઉભું કરવા તેઓ વિચારી શકે છે. નવી ચળવળમાં સ્મિથના વોલન્ટીઅર્સના ડેટાબેઝ સહિત પ્રચાર અભિયાનના સ્રોતોનો ઉપયોગ તેઓ કરી શકે છે. અગાઉ, કોર્બીનને હટાવવા સાંસદોના અભિયાનને નકારાત્મક પબ્લિસિટી મળી તેનાથી તેઓ દૂર રહી શકે. આ ચળવળના નેજા હેઠળ પ્રગતિવાદી લેબર ગ્રૂપ્સ પાર્લામેન્ટમાં અને તેની બહાર કામ કરી નીતિઓ પર દબાણ લાવી શકે છે. આ રીતે રાજકીય કાવાદાવા વિના જ પક્ષ પર અંકુશનો પ્રયાસ કરી શકાય.

કોર્બીન ૨૦૨૦ની ચૂંટણીમાં વિજય અપાવી શકશે?

કોર્બીન જાણે છે કે ઘર ભાંગ્યે ઘર જાય અને તેથી જ પાર્ટીના વિવિધ જૂથોને એકસંપ કરવા મહેનત કરી રહ્યા છે. જો લેબર પાર્ટીને ૨૦૨૦ની સામાન્ય ચૂંટણી જીતાડવી હોય અને વડા પ્રધાન બનવાની મહેચ્છા પૂર્ણ કરવી હોય તો તેમણે પાર્ટીમાં એકતા લાવવી જરૂરી છે. કોર્બીનના સમર્થકો માને છે કે સ્કોટલેન્ડમાં SNP સામે મોટા ભાગની બેઠકો ગુમાવી હોવાં છતાં પાર્ટી કોર્બીનની પાછળ એકજૂટ થઈને ઉભી રહે તો સામાન્ય ચૂંટણી જીતવાની પૂરતી તક છે.

તાજેતરમાં યુગવ પોલમાં માત્ર ૧૯ ટકાએ કોર્બીન થેરેસા મે કરતા વધુ સારા વડા પ્રધાન બની રહેશે તેવો અભિપ્રાય આપ્યો હતો. જોકે, વડા પ્રધાન થેરેસા મે તો એવી જ આશા રાખી શકે કે કોર્બીન જેવા બિનલોકપ્રિય નેતા સામે ચૂંટણી જીતવી આસાન રહેશે.

જોકે લોકપ્રિય નહીં હોવા છતાં કોર્બીને તેમના હરીફોને પછડાટ આપી છે. તેમની નેતાગીરી હેઠળ લેબર પાર્ટીની મેમ્બરશીપ પ૧૫,૦૦૦ના આસમાને પહોંચી છે જે બ્રિટનની અન્ય તમામ પાર્ટીઓ કરતાં વધુ છે. પોલ્સ એમ સૂચવે છે કે આગામી ચૂંટણીમાં લેબર પાર્ટી ૧૫૩ જેટલી બેઠકો પર જ વિજયી મેળવી શકશે. જે ૧૯૮૦ના દાયકામાં ડાબેરી ઝોક વખતે મળેલી બેઠકો કરતાં પણ ઓછી હશે એક નેતા તરીકે કોર્બીનમાં સંચાલન કૌશલ્યનો અભાવ દેખીતો નજરે ચડે છે. જાન્યુઆરીમાં તેમની શેડો કેબિનેટનું શફલિંગ માત્ર ત્રણ દિવસ રહ્યું હતું. વડાપ્રધાનના પ્રશ્નોતરી કાળમાં પણ તેમનો દેખાવ નબળો રહ્યો છે. જો કોર્બીન નેતા પદે રહેશે તો પાર્ટીને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. એક લેબર સાંસદ તો એટલે સુધી કહે છે કે કોર્બીન ફરી ચૂંટાઈ આવશે તો પણ પક્ષમાં યાદવાસ્થળીનો અંત નહીં આવે. એમ કહેવાય છે કે પક્ષનો નેતા કોઈપણ હોય લેબર પાર્ટી નજીકના ભવિષ્યમાં સામાન્ય ચૂંટણી જીતી શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter