લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને નવી શેડો કેબિનેટની જાહેરાત કરી છે, જેમાં પૂર્વ પ્રેમિકા ડાયેના એબોટ, બે એશિયન મહિલા વેલેરી વાઝ અને શામી ચક્રબર્તી, સારાહ ચેમ્પિયન, એમિલી થોર્નબેરી સહિત મહિલાઓને સ્થાન અપાયું છે.. કોર્બીને પક્ષના ચીફ વ્હીપ તરીકે રોઝી વિન્ટરટનની હકાલપટ્ટી તેમના સ્થાને પીઢ નેતા નિક બ્રાઉનની નિમણૂક કરી નવો વિવાદ ઉભો કર્યો છે. આ ઉપરાંત, સારાહ ચેમ્પિયન, જો સ્ટીવન્સ, નીઆ ગ્રિફિથ અને ડાઉન બટલર તેમજ જ્હોન મેક્ડોનેલ, ટોમ વોટસન, ક્લાઈવ લૂઈ, કેર સ્ટ્રેમર, અને જોનાથન રેનોલ્ડ્સનો પણ શેડો કેબિનેટમાં સમાવેશ કરાયો છે. પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં પરાજિત ઓવેન સ્મિથે તેઓ શેડો કેબિનેટમાં પાછા નહિ ફરે તેમ સ્પષ્ટ કરી દીધું છે.
લેબર પાર્ટીના નેતાની ચૂંટણીમાં ભારે બહુમતીથી બીજી વખત ચૂંટાયેલા જેરેમી કોર્બીને નવી શેડો કેબિનેટના સભ્યોની નિમણૂકો જાહેર કરી છે. તેમણે પૂર્વ પ્રેમિકા ડાયેના એબોટને શેડો હોમ સેક્રેટરી બનાવ્યા છે. કોર્બીનના પ્રથમ લગ્નનો અંત આવ્યા પછી ૧૯૭૦ના દાયકામાં મિસ એબોટ સાથે તેમના સંબંધો હતા. આજે પણ તેઓ ગાઢ મિત્ર છે. લેબર પાર્ટીમાં યહુદીવિરોધ મોટા પ્રમાણમાં હોવાના આક્ષેપ પછી સત્તાવાર ઈન્ક્વાયરીમાં પક્ષને ક્લીન ચિટ આપનારાં ધારાશાસ્ત્રી અને માનવ અધિકાર સંસ્થા ‘લિબર્ટી’ના પૂર્વ વડા શામી ચક્રબર્તીને શેડો એટર્ની જનરલનું સ્થાન અપાયું છે. ઉલ્લેખનીય છે કે તેમને ઓગસ્ટ મહિનામાં જ લેબરના ઉમરાવ બનાવાયાં છે. ચક્રબર્તીનો ૧૩ વર્ષનો પુત્ર સાઉથ-ઈસ્ટ લંડનની વાર્ષિક ૧૮,૦૦૦ પાઉન્ડની ફી ધરાવતી શાળામાં અભ્યાસ કરે છે તેનો પણ વિવાદ થયો છે. બેરોનેસ ચક્રબર્તીએ કહ્યું હતું કે, ‘જેરેમી કોર્બીનની નવી ટીમમાં શેડો એટર્ની જનરલનો હોદ્દો સંભાળવો મોટી જવાબદારી છે.’
વ્યવસાયે સોલિસિટર વેલેરી વાઝ લેબર સાંસદ કિથ વાઝના બહેન છે અને ૨૦૧૦થી વોલ્સાલ સાઉથના સાંસદ છે. તેમને ૨૦૧૫માં પેનલ ઓફ ચેર્સમાં નિયુક્ત કરાયાં હતાં. તેઓ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના સભ્ય પણ છે.
કોર્બીનની નેતાગીરીનો વિરોધ કરવાની કિંમત રોઝી વિન્ટરટને ચુકવવી પડી છે. તેમને પક્ષના ચીફ વ્હીપના પદેથી ખસેડી પીઢ નેતા નિક બ્રાઉનને આ હોદ્દો અપાયો છે. બ્રાઉન સૌપ્રથમ ૧૯૮૩માં પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા. પૂર્વ નેતા ગોર્ડન બ્રાઉનના સમયમાં પણ તેઓ ચીફ વ્હીપ હતા. જોકે, ૨૦૧૦માં એડ મિલિબેન્ડે તેમની હકાલપટ્ટી કરી હતી. ટોની બ્લેરની સરકારમાં તેમણે હોદ્દાઓ પર સેવા આપી છે. જોકે, રોઝી વિન્ટરટને ચીફ વ્હીપ તરીકે પક્ષની ઘણી સેવા કરી હોવાનું જણાવી કોર્બીને તેમની પ્રશંસા કરી હતી.
જ્હોન મેક્ડોનેલને શેડો ચાન્સેલર, ટોમ વોટસનને શેડો કલ્ચર સેક્રેટરી, જોનાથન એશવર્થને શેડો હેલ્થ સેક્રેટરી, પૂર્વ શેડો ડિફેન્સ સેક્રેટરી ક્લાઈવ લૂઈને બિઝનેસ સેક્રેટરી, પૂર્વ પબ્લિક પ્રોસિક્યુશન્સ ડિરેક્ટર કેર સ્ટ્રેમરને શેડો બ્રેક્ઝિટ સેક્રેટરીનો હોદ્દો અપાયો છે, જ્યારે પૂર્વ શેડો વેલ્સ સેક્રેટરી નીઆ ગ્રિફિથને શેડો ડિફેન્સ સેક્રેટરી તેમજ એમિલી થોર્નબેરીને શેડો ફોરેન સેક્રેટરી અને વેલેરી વાઝને હાઉસના શેડો લીડર બનાવાયાં છે. સાંસદ જોનાથન રેનોલ્ડ્સને ટ્રેઝરીના ઈકોનોમિક સેક્રેટરી, સારાહ ચેમ્પિયનને વિમેન મિનિસ્ટર, જો સ્ટીવન્સને વેલ્સ સેક્રેટરી અને ડોન બટલરને BME મિનિસ્ટરના હોદ્દા અપાયાં છે. સારાહ ચેમ્પિયને ૨૦૦૭માં ડાઈવોર્સ સમયે પૂર્વ પતિ ગ્રેહામ હોયલેન્ડ પર હુમલો કર્યા બદલ પોતાની ધરપકડ કરાઈ હોવાની કબૂલાત થોડા સમય અગાઉ જ કરી હતી.
લેબર પાર્ટીના કેટલાક સાંસદોએ આ નિમણૂકોને દુશ્મનોને નિશાન બનાવી મિત્રોને આગળ વધારવાના પ્રયત્ન તરીકે લેખાવી છે. પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં ૩૮ ટકા મત મેળવી પરાજિત રહેલા ઓવેન સ્મિથે તેઓ કોર્બીન સાથે કામ કરી શકે તેમ ન હોવાથી શેડો કેબિનેટમાં પાછા નહિ ફરે તેવી સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે લેબર પાર્ટીએ મધ્ય-ડાબેરી પાર્ટી બનવાની જરૂર છે.


