લેબર પાર્ટીને બ્રિટિશ ભારતીય મતદારોનું મહત્વ સમજાયું, રિઝવવાના પ્રયાસ શરૂ

Tuesday 06th February 2024 10:55 EST
 
 

લંડનઃ લેબર પાર્ટીને એમ લાગી રહ્યું છે કે તાજેતરના વર્ષોમાં દેશના સૌથી મોટા વંશીય લઘુમતી સમુદાય બ્રિટિશ ભારતીયોમાં પાર્ટીનું સમર્થન ઘટી રહ્યું છે. તેથી હવે લેબર પાર્ટી બ્રિટિશ ભારતીય સમુદાય સાથેના સંબંધો સુધારવાના પ્રયાસ કરી રહી છે. સ્ટાર્મરની પાર્ટીએ ભારતીય સમુદાયમાં સંપર્ક વધારવા વોલન્ટિયર્સની સંખ્યા વધારવા, લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપમાં સુધારા કરવા, પાર્ટીના બે શેડો મંત્રીઓ માટે ભારત મુલાકાતનું આયોજન કરવા સહિતના સંખ્યાબંધ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

એ વાતના સ્પષ્ટ પુરાવા છે કે લેબર પાર્ટી ભારતીય મૂળના લોકોમાં સમર્થન ગુમાવી ચૂકી છે. 2010માં 61 ટકા બ્રિટિશ ભારતીય લેબર પાર્ટીનું સમર્થન કરી રહ્યાં હતાં જે 2019માં ઘટીને 30 ટકા પર આવી ગયાં હતાં. એક લેબર નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય મતદારોની અવગણના કરતી હતી પરંતુ ભારતીય મતદારો લેબર પાર્ટી સાથેનો છેડો ફાડી રહ્યાં છે તેથી પાર્ટીએ તે દિશામાં પગલાં લેવાની જરૂર છે.

લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટાર્મરની બદલાયેલી લેબર પાર્ટી કામકાજી લોકોની સેવામાં પાછી ફરી છે અને ભારતીય સમુદાયો સહિતના તમામ ધર્મ અને પશ્ચાદભૂ ધરાવતા લોકોનો સંપર્ક સાધી રહી છે. પાર્ટીએ કોમ્યુનિટી ઇવેન્ટ્સના આયોજન માટે લેબર ઇન્ડિયન્સ નામના ગ્રુપની રચના કરી છે અને સોશિયલ મીડિયા પર બ્રિટિશ ઇન્ડિયન્સને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter