લેબર પાર્ટીમાં બળવો, સાત સાંસદના રાજીનામાં

Wednesday 20th February 2019 02:26 EST
 
(ડાબેથી) એન કોફી, એન્જેલા સ્મિથ, ક્રિસ લેસ્લી, માઈક ગેપ્સ, લ્યુસિયાના બર્જર, ગેવિન શુકર અને ચુકા ઉમુન્ના
 

લંડનઃ લેબર પાર્ટીમાં નેતા જેરેમી કોર્બીનના યહુદીવાદ વિરોધી વલણથી નારાજ સાત સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે અને તેમના ‘Independent Group’ની સ્થાપના કરી છે. આ સાંસદોએ જેરેમી કોર્બીનની નેતાગીરી સામે લેબર પાર્ટીને સંસ્થાગત રીતે ‘એન્ટિ-સેમેટિક’ અને ‘રેસિસ્ટ’ પાર્ટીમાં ફેરવી દેવાનો આક્ષેપ કર્યો હતો. કટ્ટર ડાબેરી એક્ટિવિસ્ટો દ્વારા ડીસિલેક્શનની ધમકી અપાયેલા યહુદી સાંસદ લ્યુસિયાના બર્જરે જણાવ્યું હતું કે કોર્બીનની પાર્ટીમાં રહેવામાં તેઓ ‘શરમ અને સંકોચ’ અનુભવે છે.

લેબર પાર્ટીમાંથી રાજીનામાં આપનારા સાંસદોમાં ચુકા ઉમુન્ના, લ્યુસિયાના બર્જર, ક્રિસ લેસ્લી, એન્જેલા સ્મિથ, માઈક ગેપ્સ, ગેવિન શુકર અને એન કોફીનો સમાવેશ થાય છે. વધુ ઈયુ રેફરન્ડમને ટેકો આપનારા આ સાત સાંસદો નવો રાજકીય પક્ષ લોન્ચ કરી રહ્યા નથી પરંતુ, પાર્લામેન્ટમાં સ્વતંત્ર જૂથ તરીકે બેસશે. સેન્ટ્રલ લંડનમાં ગ્રૂપના લોન્ચિંગ પ્રસંગે આ સાંસદોએ એક પછી એક કોર્બીન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી કોર્બીન દ્વારા પાર્ટી હાઈજેક કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ચુકા ઉમુન્નાએ સાંસદોએ પ્રથમ પગલું ભર્યું છે તેમ જણાવી લેબર પાર્ટીના તેમજ અન્ય પક્ષોના સાંસદોને નવા રાજકારણના નિર્માણ માટે તેમની સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે જૂનીપુરાણી શૈલીના રાજકારણને તિલાંજલિ આપીએ અને તમામને ન્યાય આપનારો એક વિકલ્પ સર્જીએ તેનો સમય આવી ગયો છે.

જેરેમી કોર્બીને પાર્ટીથી અલગ થનારા સાંસદો વિશે જણાવ્યું હતું કે, ‘૨૦૧૭ની ચૂંટણીમાં લાખો લોકોને પ્રેરણા આપનારી નીતિઓ માટે કામ કરવા ચાલુ ન રહેવાની અશક્ત સાંસદોથી તેઓ નિરાશ થયા છે. શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલે કહ્યું હતું કે તેમના માટે સાંસદો તરીકે રાજીનામાં આપી પેટાચૂંટણીઓમાં જીતી પાર્લામેન્ટમાં પરત ફરવાનું યોગ્ય ગણાત. 

ફોટોલાઈનઃ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter