લંડનઃ પેટાચૂંટણીમાં ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામની ઉમેદવારી અટકાવવાના મુદ્દે લેબર પાર્ટીમાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સાંસદોના ખુલ્લા બળવાનો સામનો કરી રહ્યાં છે. સ્ટાર્મર કોઇપણ ભોગે બર્નહામને સંસદમાં અટકાવવાના પ્રયાસ કરી રહ્યાં છે કારણ કે તેમના દ્વારા સ્ટાર્મરના નેતૃત્વને સીધો પડકાર મળી શકે છે.
લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીમાં વફાદારોના જોરે સ્ટાર્મર બર્નહામની એન્ટ્રી અટકાવવામાં સફળ તો રહ્યાં છે પરંતુ તેના કારણે લેબર પાર્ટીમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્ટાર્મરના સાથીદારોનો દાવો છે કે તેઓ નથી ઇચ્છતા કે બર્નહામ ગોર્ટન એન્ડ ડેન્ટન બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવારી કરે કારણ કે તેના પગલે મેયરપદની ચૂંટણી પણ યોજવી પડે અને તેમાં રિફોર્મ યુકે વિજેતા બની શકે છે. જોકે કમિટીનું આ પગલું સ્ટાર્મર માટે બૂમરેંગ પૂરવાર થઇ રહ્યું છે અને લેબર બેકબેન્ચર્સ હવે નિર્ણય પાછો ખેંચવાની માગ કરી રહ્યાં છે. ઘણા લેબર સાંસદો તો જાહેરમાં આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. બળવામાં પૂર્વ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર સહિતના વરિષ્ઠ નેતાઓએ પણ સૂર પૂરાવ્યો છે.
બળવાખોર સાંસદો એનઇસીની બેઠક બોલાવવા અને નિર્ણય બદલવાની માગ કરી રહ્યાં છે. આ માટે તેઓ હસ્તાક્ષર અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેમનો આરોપ છે કે જો બર્નહામને ઉમેદવાર બનાવવામાં નહીં આવે તો લેબર પાર્ટી પેટાચૂંટણી હારી જશે.

