લંડનઃ હેલ્થ અને કેર વર્કર્સ પોતાના પરિવારજનોને તેમના વિઝા પર યુકેમાં લાવી શકે તે માટે નિયમોમાં બદલાવ કરવાની લેબર પાર્ટીની કોઇ યોજના નથી. એનએચએસમાં કર્મચારીઓની વર્તાતી અછત છતાં લેબર પાર્ટીના શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે જણાવ્યું હતું કે, એનએચએસ વિદેશી કર્મચારીઓ પર વધુ પડતો આધાર રાખી રહી છે. અમારી સરકાર આવશે તો અમે યુકેના જ લોકોને તાલીમ આપીને એનએચએસમાં નિયુક્ત કરીશું.
વોર્સેસ્ટરમાં ચૂંટણી પ્રચાર કરતાં સ્ટ્રીટીંગે જણાવ્યું હતું કે, એનએચએસમાં કર્મચારીઓની અછત અત્યંત ગંભીર છે તેમ છતાં અમે નિયમોમાં બદલાવની કોઇ યોજના ધરાવતા નથી. આરોગ્ય કર્મચારીઓની તીવ્ર અછત ધરાવતા દેશોમાંથી આરોગ્ય કર્મચારીઓની યુકેમાં નિયુક્તિ કરવી અનૈતિક અને સિદ્ધાંતોથી વિપરિત છે. લેબર પાર્ટીની સરકાર આ પ્રેકટિસ જારી રાખશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે, વેટ્ટે કૂપર આ પ્રકારની યોજના ધરાવે છે કે કેમ તે હું જાણતો નથી પરંતુ અમે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. હું દેશમાંથી જ આરોગ્ય કર્મચારીઓ તૈયાર કરવા માગુ છું જેથી કૂપરને નેટ માઇગ્રેશન ઘટાડવામાં મદદ મળી શકે.

