લંડનઃ 14 વર્ષ બાદ સત્તામાં આવેલી લેબર સરકારે મૂળભૂત બદલાવો લાવવાનું વચન આપ્યું હતું. સરકારે જણાવ્યું છે કે અમે દેશ માટે પાંચ નેશનલ મિશનની સાથે લોકોના જીવન પર તાત્કાલિક અસર કરતાં પ્રથમ 6 પગલાંની જાહેરાત કરીએ છીએ.
લેબર સરકારના પ્રસ્તાવિત 6 પગલાં
1 આર્થિક સ્થિરતા લાવવી
લેબર સરકારે જણાવ્યું છે કે દેશમાં આર્થિક સ્થિરતા પ્રસ્થાપિત કરવી અમારું કેન્દ્રિય મિશન છે જેથી દેશના દરેક હિસ્સાનો વિકાસ થઇ શકે. અમે અર્થતંત્રની વૃદ્ધિ કરીને યુકેની સમૃદ્ધિ વધારીશું અને નોકરીયાત લોકોના જીવનધોરણ ઊંચા લાવીશું. અમે ખર્ચ પર આકરા નિયમોનું પાલન કરીશું, કરવેરા, ફુગાવા અને મોર્ગેજના દરોને નીચા રાખીશું.
2 એનએચએસનું વેઇટિંગ લિસ્ટ
અમે દર સપ્તાહે વધારાની 40,000 એપોઇન્ટમેન્ટ સાથે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડીશું. સરકાર ટેક્સ સિસ્ટમમાં રહેલા છીંડા દૂર કરીને, કરચોરી સામે આકરાં પગલાં લઇને એપોઇન્ટમેન્ટના ખર્ચની ચૂકવણી કરીશું. આ નાણાનો ઉપયોગ એનએચએસમાં સીટી અને એમઆરઆઇ સ્કેનરોની સંખ્યા બમણી કરવામાં પણ થશે. ડેન્ટિસ્ટ્રીમાં પણ વર્ષે 7,00,000 એપોઇન્ટમેન્ટ અપાશે.
3 નવું બોર્ડર સિક્યુરિટી કમાન્ડ
સરહદો સુરક્ષિત કરવા માટે નવા બોર્ડર સિક્યુરિટી કમાન્ડનો પ્રારંભ કરાશે. માનવ તસ્કર ગેંગો નાબૂદ કરવા માટે વધુ પોલીસ અને ઇન્વેસ્ટિગેટર્સ નિયુક્ત કરાશે. માનવ તસ્કરીના બિઝનેસ મોડેલને તોડી પાડવા માટે બ્રિટિશ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરાશે.
4 ગ્રેટ બ્રિટિશ એનર્જીની સ્થાપના
બ્રિટિશ જનતાને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે અમે બ્રિટિશ જનતાની માલિકીની જ કંપની ગ્રેટ બ્રિટિશ એનર્જીની સ્થાપના કરીશું. સરકારી માલિકીની કંપનીના કારણે વીજળીના બિલ ઘટાડવામાં, એનર્જી સિક્યુરિટી વધારવામાં મદદ મળશે. આ માટે ઓઇલ અને ગેસ કંપનીઓ પાસેથી વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવશે.
5 અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી
અસામાજિક વર્તન ગરીબ સમુદાયોને સૌથી વધુ અસર કરે છે અને તેના કારણે ગંભીર અપરાધોને વેગ મળે છે. અમે વધારાના 13000 પોલીસ કર્મચારીઓ નિયુક્ત કરીશું. દરેક સમુદાયને તેમના અધિકારીના નામ અપાશે તેથી જરૂરના સમયે તેઓ તેમનો સંપર્ક કરી શકે. ડ્રગ ડીલરો સામે પણ આકરાં પગલાં લેવાશે.
6 6500 નવા શિક્ષકોની નિયુક્તિ
સરકાર મહત્વના વિષયો માટે 6500 નવા શિક્ષકોની ભરતી કરશે. પ્રાઇવેટ સ્કૂલો પર ટેક્સ લાદીને શિક્ષણનું સ્તર સુધારી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવાશે. અભ્યાસક્રમોને વધુ સમૃદ્ધ બનાવવા સમીક્ષા કરાશે.


