લેબર સરકાર રાષ્ટ્રીય સુધારાનો દાયકો પૂરો પાડશેઃ સ્ટાર્મર

નવા સંખ્યાબંધ ટાઉનના નિર્માણ સાથે 1.5 મિલિયન મકાન બનાવવા લેબર વડાનું વચન

Tuesday 10th October 2023 13:25 EDT
 
 

લંડનઃ લીવરપુલ ખાતે લેબર પાર્ટીની કોન્ફરન્સને સંબોધન કરતાં પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, લેબર સરકાર દેશની સમસ્યાઓના ઉકેલ માટે રાષ્ટ્રીય સુધારાનો એક દાયકો પૂરો પાડશે. સ્ટાર્મરે ટોરીઝની ઘટેલી લોકપ્રિયતાનો લાભ લેવાની લેબર કાર્યકરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, દેશની સમસ્યાઓના ઉકેલ માટે અમારી પાસે કોઇ જાદુઇ છડી નથી પરંતુ લેબર સરકાર દેશને સુધારાનો એક દાયકો પૂરો પાડશે. આપણે સાથે મળીને અસુરક્ષાના યુગનો સામનો કરીશું. ટોરીઝ તેમની જાતને બચાવવા માટે ભયજનક બનીને લડત આપવા તૈયાર હોય છે અને તેનો અંત આવ્યો નથી. હજુ તો લડાઇની શરૂઆત છે.

સર કેર સ્ટાર્મરના સંબોધનના મુખ્ય મુદ્દા

-          હાઉસિંગઃ મકાનની માલિકી ફક્ત મુઠ્ઠીભર લોકોનો ઇજારો હોવો જોઇએ નહીં, હું તેની આડે આવતા તમામ અવરોધો દૂર કરીશ. લેબર પાર્ટી નવા ટાઉનની રચના સાથે 1.5 મિલિયન મકાનોનું નિર્માણ કરી બ્રિટનનું પુનઃનિર્માણ કરશે. પ્લાનિંગ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ થશે

-          કોસ્ટ ઓફ લિવિંગઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ લોકોના જીવન પર ગંભીર અસર કરી રહી છે અને લેબર પાર્ટી જ લાંબાગાળાના ઉકેલ આપી શકે તેમ છે

-          એનએચએસઃ હું અમીરોને મહત્વની સેવાઓ માટે ટેક્સ આપવાથી દૂર રાખતા નોમ-ડોમ ટેક્સ સ્ટેટસને નાબૂદ કરીશ અને તે નાણા એનએચએસ માટે વાપરવામાં આવશે

-          એજ્યુકેશનઃ પ્રાઇવેટ સ્કૂલો પાસેથી 20 ટકા વેટની વસૂલાત કરાશે જેથી તે નાણાને અન્ય શૈક્ષણિક સેવાઓમાં વાપરી શકાય

-          પોલીસ - લેબર પાર્ટી સડકો પર વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરશે, શોપ લિફ્ટિંગના તમામ કેસની તપાસ ફરજિયાત કરશે

-          નેટ ઝીરો નીતિઃ લેબર સરકાર નેટ ઝીરો પગલાં ઝડપી બનાવશે. સુનાકે આપણા ક્લાઇમેટ મિશનમાં પીછેહટ કરી છે પરંતુ હું તેની ઝડપ વધારીશ

-          ગ્રીન બેલ્ટઃ લેબર સરકાર વિકાસ માટે ગ્રીન બેલ્ટનો ભોગ નહીં લે, જ્યાં શક્ય હશે ત્યાં મકાનોનું નિર્માણ કરાશે

ભરી સભામાં દેખાવકારે સ્ટાર્મર પર ગ્લિટર ઠાલવતાં દેકારો

લંડનઃ લેબર પાર્ટીની કોન્ફરન્સમાં એક દેખાવકારે મંચ પર ધસી જઇ લેબર વડા સર કેર સ્ટાર્મર પર ગ્લિટર ઠાલવતાં તેમનું સંબોધન અવરોધાયું હતું. સિક્યુરિટી કર્મચારીઓ દ્વારા દેખાવકારને સ્થળની બહાર લઇ જવાયો હતો. દેખાવકાર નાગરિકોના નેતૃત્વવાળી લોકશાહીની માગ કરી રહ્યો હતો. જોકે તે ચોક્કસ શું કહેવા માગતો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. સર સ્ટાર્મરે ગ્લિટરને સાફ કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ મને વિચલિત કરી શકે તેમ નથી. મર્સેસાઇડ પોલીસે મૂળ સરેના 28 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી. સ્ટાર્મર પરના આ હુમલાની જવાબદારી પીપલ ડિમાન્ડ ડેમોક્રેસી નામના સંગઠને સ્વીકારી હતી. પોતે આ સંગઠનનો હોવાનો દાવો કરતાં દેખાવકારે જણાવ્યું હતું કે, અમે યુકેની પોલિટિકલ સિસ્ટમને સુધારવા માગીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter