લંડનઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વીનીએ ચેતવણી ઉચ્ચારી છે કે લેબર સરકારના ઇમિગ્રેશન પ્રત્યેના વલણને કારણે ગંભીર આર્થિક પડકારો સર્જાશે. એક કોન્ફરન્સમાં ફર્સ્ટ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનમાં ઘટાડાની અસર સ્કોટલેન્ડની વૃદ્ધ બની રહેલી વસતી પર પડશે. માઇગ્રેશન પર લેવાઇ રહેલાં પગલાંથી હું ઘણો ચિંતિત છું.
સ્વીનીએ જણાવ્યું હતું કે, મેં મારી ચિંતાઓ વડાપ્રધાન સમક્ષ રજૂ કરી છે. મેં લેબર માર્કેટના બદલાઇ રહેલા પરિમાણ અંગે રજૂઆત કરતાં આપણી વર્કિંગ એજ પોપ્યુલેશનને સપોર્ટ કરવા માઇગ્રેશનને પ્રોત્સાહન આપવાની માગ કરી છે. આજે આપણું કેર સેક્ટર 26 ટકા વિદેશી નાગરિકો પર નભી રહ્યું છે. જો ઇમિગ્રન્ટ્સનું યોગદાન કેર સેક્ટરને નહીં મળે તો સ્કોટલેન્ડમાં આપણે સોશિયલ કેર સિસ્ટમ કેવી રીતે ચલાવી શકીશું તે હું જાણતો નથી.
સ્વીનીએ જણાવ્યું હતું કે, જો આપણે ઇમિગ્રેશન પર વધુ પુખ્ત વલણ નહીં અપનાવીએ તો આપણી સમૃદ્ધિ પર મહત્વના આર્થિક પડકાર હું જોઇ શકું છું.