લંડનઃ યુકેમાં નેટ ઇમિગ્રેશન ઘટાડવા સ્ટાર્મર સરકાર દ્વારા 12મેના સોમવારના રોજ ઇમિગ્રેશન વ્હાઇટ પેપર પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં પ્રસ્તાવિત નવા નિયમો કાયદેસર રીતે યુકે આવનારા વિદેશી નાગરિકોની સમસ્યામાં વધારો કરશે. સરકારનો દાવો છે કે આ પગલાંઓ દ્વારા ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરી શકાશે.
2022-23માં નેટ ઇમિગ્રેશન રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ તત્કાલિન કન્ઝર્વેટિવ સરકાર દ્વારા વિઝા નિયંત્રણો લદાયાં હતાં. હવે લેબર સરકાર દ્વારા વધુ નિયંત્રણો લાદવાની જાહેરાત કરાઇ છે જેના પગલે સૌથી મોટો ફટકો ભારતથી આવતા કેર વર્કર્સને પડવાનો છે. બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ અભ્યાસ પૂરો થયા બાદ યુકેમાં વસવાટની સમયમર્યાદા ઘટાડી દેવાઇ છે. યુકેમાં અનિશ્ચિત મુદતના વસવાટની પરવાનગી માટેની સમયમર્યાદા હવે પાંચ વર્ષથી વધારી 10 વર્ષ કરી દેવાઇ છે. તે ઉપરાંત તમામ પ્રકારના વિઝા માટે અંગ્રેજીનું એ-લેવલનું જ્ઞાન ફરજિયાત કરાયું છે. સ્કીલ્ડ વર્કર્સ વિઝા માટેની લઘુત્તમ લાયકાત પણ ગ્રેજ્યુએશન કરાઇ છે. જોકે સ્ટાર્મર સરકાર દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ મુદ્દે કોઇ પગલાંની જાહેરાત કરાઇ નથી.
ઇમિગ્રેશન વ્હાઇટ પેપર
- સ્કીલ્ડ વર્કર્સ વિઝા માટે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ ફરજિયાત, પગાર મર્યાદામાં પણ વધારો કરાશે
- પગાર મર્યાદામાં છૂટછાટ આપતુ ઇમિગ્રેશન સેલરી લિસ્ટ નાબૂદ કરાશે
- જે વ્યવસાયોમાં કામદારોની અછત હોય તેવા મર્યાદિત વ્યવસાયોમાં પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમની છૂટ
- સોશિયલ કેર વિઝા બંધ કરાશે, હવે વિદેશમાંથી કેર વર્કર્સ નિયુક્ત કરી શકાશે નહીં, બ્રિટિશરોને તાલીમ આપવી પડશે, જે યુકેમાં છે તેવા વિદેશી કેર વર્કર્સના વિઝા લંબાવાશે
- યુકેમાં અભ્યાસ કરનાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને હવે બે વર્ષને બદલે ફક્ત 18 મહિના વર્ક પરમિટ મળશે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ રિક્રુટ કરતા સ્પોન્સરિંગ સંસ્થાનો માટે નિયમો આકરા બનશે
- ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ફી પર 6 ટકાનો ટેક્સ લાદવાની વિચારણા
- ફેમિલી વિઝા માટેની નીતિ સ્પષ્ટ કરાશે, કોણ યુકેમાં રહી શકે તે નક્કી કરવા નવો કાયદો ઘડાશે
- હાઇ સ્કીલ્ડ વિઝામાં વધારો કરાશે, ઇનોવેટર ફાઉન્ડર વિઝા, ગ્લોબલ ટેલેન્ટ વિઝામાં વધારાની વિચારણા કરાશે
- રાજ્યાશ્રય માટેના દાવાઓ માટે નવી નીતિઓ જાહેર કરાશે, દુરુપયોગ કરનારા સામે પ્રતિબંધો લદાશે
- અપરાધ માટે દોષી ઠરેલા વિદેશી નાગરિકોને દેશનિકાલની સિસ્ટમમાં સુધારા કરાશે
- તમામ વિઝા માટે અંગ્રેજીનું એ-લેવલનું જ્ઞાન ફરજિયાત કરાશે
- યુકેમાં અનિશ્ચિત મુદતના વસવાટની પરવાનગી માટે યુકેમાં ઓછામાં ઓછા 10 વર્ષનું રોકાણ ફરજિયાત