લંડનઃ એક અખબારમાં કરાયેલા ઘટસ્ફોટના કારણે લેસ્ટરના સાંસદ અને કોમન્સ હોમ એફેર્સ કમિટીના પૂર્વ અધ્યક્ષ કિથ વાઝને પાર્લામેન્ટમાં છ મહિના સસ્પેન્ડ થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. લેબર સાંસદ તરીકે વ્હીપ ગુમાવવાની શક્યતા સાથે તેમની ૩૨ વર્ષની કારકીર્દિ જોખમમાં આવી છે. અખબારમાં દાવો કરાયો હતો કે વાઝે પુરુષ એસ્કોર્ટ્સને ચૂકવણીની ઓફર તેમજ અન્યોના ઉપયોગ માટે કોકેન સહિત ક્લાસ એ ડ્રગ્સની ખરીદી પણ કરી હતી.
તેમની સામે અગાઉ કોમન્સ સ્ટાન્ડર્ડ કમિટી દ્વારા તપાસ કરાઈ હતી અને હાલમાં હાઉસ સ્ટાન્ડર્ડ વોચડોગને જણાયું હતું કે વાઝે ‘કાયદા પ્રત્યે અનાદર’ દર્શાવી સાંસદોની આચારસંહિતાનો ભંગ કર્યો છે. જોકે, નોર્થવેસ્ટ લેસ્ટરશાયરના ટોરી સાંસદ એન્ડ્રયુ બ્રિજેને બે વખત પોલીસને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.
સ્ટાન્ડર્ડ્સ કમિશનર કેથરીન સ્ટોને જણાવ્યાં અનુસાર તેમની પ્રવૃત્તિથી ‘હાઉસ ઓફ કોમન્સની પ્રતિષ્ઠા અને સત્યનિષ્ઠાને નોંધપાત્ર નુકસાન’ થયું છે.
મિસ સ્ટોને જણાવ્યાં મુજબ મિ. વાઝ ‘અસ્પષ્ટ’ રહ્યા હતા અને તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો જાહેર કરવા ઈનકાર કર્યો હતો. વાઝ સામેની ફરિયાદ બ્રિજેન દ્વારા કરાઈ હતી. વાઝના સાથીઓના કહેવા મુજબ બ્રિજેનને વાઝ પ્રત્યે વેરભાવ હતું.
અખબારની મૂળ તપાસ મામલે વાઝે તેમને ફસાવવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે ૨૦૧૬ની શરૂઆતની ઘટના બાદ તેમની તબિયત બગડી હતી જેને લીધે વોચડોગના પશ્રોની પ્રતિક્રિયા આપવાની તેમની ક્ષમતાને અસર પહોંચી હતી. સિટી લો ફર્મ કાર્ટર રક દ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરાયું હતું અને તમામ પ્રશ્રોના વિગતવાર જવાબો અપાયા હોવાનું ફર્મ દ્વારા જણાવાયું હતું.
સામાન્ય ચૂંટણી જાહેર કરાયાના પગલે પાંચ નવેમ્બર મંગળવારે પાર્લામેન્ટ વિસર્જિત થવા સાથે કોમન્સનું અસ્તિત્વ રહ્યું નથી. તેથી મિ. વાઝના સસ્પેન્શનનો મુદ્દો રહ્યો નથી. જોકે, હવે શું થશે તેના વિશે અનિશ્ચિતતા છે. આ બાબતે કોઈ કાર્યવાહીના સંબંધે લેબર પાર્ટીએ મૌન જાળવ્યું છે. જોકે, શેડો હોમ સેક્રેટરી અને તેમના સૌથી જૂના મિત્ર ડાયેના એબોટ સહિતના સાથીઓએ વાઝને આગામી સામાન્ય ચૂંટણીમાં લેસ્ટર ઈસ્ટમાં ઉમેદવાર તરીકે ખસી જવા અનુરોધ કર્યો છે.
મિ. વાઝ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીમાં સ્થાન જાળવી રાખશે કે કેમ તે સ્પષ્ટ નથી. ત્યાં તેમની બે વર્ષની ટર્મ પૂરી થઈ છે. તેઓ BAME લેબરનું પ્રતિનિધિત્વ કરે છે અને આ સંસ્થાને જ બંધ કરવાની દરખાસ્ત પર ચર્ચા થઈ રહી છે.
લેસ્ટરના લોકલ કાઉન્સિલર મહેન્દ્ર વાળંદે જણાવ્યું હતું,‘ કિથ વાઝ શ્રેષ્ઠ સાંસદ છે તેમનામાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે. છેલ્લાં ૩૨ વર્ષમાં તેમણે સ્થાનિક લોકોના ૪૯,૦૦૦ કેસ હાથ ધર્યા હતા.’ ૨૩ લોકલ કાઉન્સિલરો અને ૫૦ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનોએ મિ. વાઝના સમર્થનમાં લેખિત નિવેદન આપ્યું છે.


