લંડનઃ બ્રેક્ઝિટ ડીલ પરનું મતદાન મુલતવી રાખવાના વડા પ્રધાન થેરેસા મેના નિર્ણય સામે વિરોધ નોંધાવવા છડી છીનવીને ચાલવા લાગેલા લેબર પાર્ટીના બ્રાઈટન કેમ્પટનના સાંસદ લોઈડ રસેલ મોયલને હાઉસ ઓફ કોમન્સમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ છડી શાહી સત્તાનું પ્રતીક છે અને તે તેના સ્થાને ન હોય તો કોમન્સની બેઠક મળી ન શકે અથવા કાયદો પસાર થઈ શકે નહીં.
ચાંદીના ઢોળવાળી આ છડી ૧.૫ મીટર લાંબી છે. વિરોધ વ્યક્ત કરવા માટે રસેલ છડીને તેના સ્થાનેથી ઉઠાવીને ચેમ્બરના છેડા સુધી ગયા હતા. ત્યાં તેમને ગૃહના અધિકારીઓએ અટકાવ્યા હતા. સ્પીકર જહોન બર્કોએ તેમને દિવસના બાકીના સમયમાં ગૃહમાં હાજર ન રહેવા આદેશ કર્યો હતો.
રસેલ મોયલે કરેલી હરકત બાદ ટોરી સાસંદોએ તેમને બહાર કાઢી મૂકો તેવી બૂમો મારી હતી. મોયલે પહેલા તો આદેશ માનવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, અધિકારીઓ દ્વારા તેમને બહાર કાઢી મૂકાશે તેમ બર્કોએ જણાવતા તેઓ ચાલ્યા ગયા હતા.


