લંડનઃ પીઢ લેબર સાંસદ હેરિયટ હર્મને જાહેરાત કરી હતી કે તે આગામી જનરલ ઈલેક્ષનમાં ઉભાં રહેશે નહી. તેમણે કેમ્બરવેલ એન્ડ પેકહામમાં આવેલી તેમની લોકલ પાર્ટીને ઈમેલ દ્વારા તેમના નિર્ણયની જાણ કરી હતી. તેઓ લગભગ ૪૦ વર્ષથી તેના સાંસદ છે. તેમણે મતદાનના દિવસ સુધી ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરવાનું વચન પણ આપ્યું હતું.
કેર સ્ટાર્મરના નેતૃત્વમાં હવે લેબર પાર્ટી શક્તિશાળી બની રહી છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે તે દિવસ પછી તેઓ પદ છોડી દેશે.
લેબર સાંસદ કેરેન બકે તેમને માર્ગદર્શક અને રાજકારણમાંની મહિલા માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. જ્યારે પૂર્વ સાંસદ અને હાલ વેસ્ટ યોર્કશાયરના મેયર ટ્રેસી બ્રેબીને તેમને સમર્થ નેતા ગણાવ્યા હતા.
૭૧ વર્ષીય હર્મન ૧૯૮૨માં સાંસદ બન્યા હતા અને ગોર્ડન બ્રાઉન અને એડ મીલીબેન્ડ હોદ્દા પરથી ઉતર્યા ત્યારે બે વખત ટૂંકા ગાળા માટે તેમણે પક્ષના નેતા સહિત વિવિધ હોદ્દા સંભાળ્યા હતા. તેમણે તે બન્નેના ડેપ્યૂટી લીડર તરીકે ફરજ બજાવી હતી. પરંતુ, સંસદમાં મહિલાઓ માટેના કેમ્પેઈન માટે અને કોમન્સમાં સૌથી વધુ લાંબો સમય અને સતત સેવા બદલ તેઓ ગૃહના માતા તરીકે જાણીતા હતા.


