લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં લેબર પાર્ટીના ખરાબ દેખાવના કારણે રોષે ભરાયેલા સાંસદોએ પક્ષના નેતા જેરેમી કોર્બીન પર ઉભરો ઠાલવ્યો હતો. સોમવારે રાત્રે પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાં સાંસદો સાથે આમનેસામને બેઠકમાં કોર્બીન તદ્દન ઢીલા જણાયા હતા અને ટીકાકાર સાંસદોના રોષનો સામનો કરી શક્યા ન હતા. સાંસદો જે રીતે જાહેરમાં કોર્બીનની ટીકા કરે છે તે થવું ન જોઈએ તેવી ચેતવણી આપવાના બદલે તેમણે લેબર પાર્ટીએ વિજય માટે બરાબર કાર્ય કર્યું ન હોવાનું સાંસદોને જણાવ્યું હતું. બેઠકમાં કોર્બીન કરતા લંડનના નવા મેયર બનેલા સાદિક ખાનને વધુ આવકાર મળ્યો હતો.
લેબર પાર્ટીના કેટલાક સાંસદોએ આ બેઠકને સૌથી ખરાબ બેઠકોમાંની એક ગણાવી હતી. બર્મિંગહામ યાર્ડલીના સાંસદ જેસ ફિલિપ્સે કોર્બીનને કહ્યું હતું કે,‘સમાજવાદનો અર્થ ‘આપણે’ હોવાનું હું માનતો હતો પરંતુ એ તો માત્ર તમારા પૂરતું જ રહ્યું છે અને આ સારી બાબત નથી.’ ચૂંટણીમાં લેબર પાર્ટીની થોડી સફળતામાં એક ગણાયેલા સાદિક ખાને કોર્બીનને કહ્યું હતું કે તેમણે ‘દેખાતાં ધ્યેયો’ને અવગણવાનું બંધ કરવું જોઈએ. ભવ્ય પરાજય જેવી કોઈ બાબત હોતી નથી.’
બેઠકમાં કોર્બીને જાહેરમાં તેમની ટીકાઓ કરવા બદલ પક્ષના સભ્યોને ચેતવણી આપવાના બદલે કહ્યું હતું કે તેમની પ્રથમ ચૂંટણી અપીલની પરીક્ષામાં મિશ્ર પ્રતિભાવોના પરિણામો મળ્યા છે. સ્કોટલેન્ડમાં પાર્ટીનું ધોવાણ ખાનના વિજયથી અંશતઃ સરભર થયું છે. પરિણામો એટલા ખરાબ પણ નથી. તેમના નેતૃત્વ હેઠળ પક્ષ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે.
બીજી તરફ, પૂર્વ નેતા એડ મિલિબેન્ડ ટૂટિંગ માટે લેબર પાર્ટીના સાંસદ તરીકે પાર્લામેન્ટમાં પાઠા ફરે તેવી અટકળો વધી છે. વર્તમાન સાંસદ સાદિક ખાને લંડનના મેયરપદે ચૂંટાયા પછી સાઉથ લંડન બેઠક ખાલી કરતા નવમી જૂને પેટા ચૂંટણી યોજાવાની છે. લેબર પાર્ટી છેક ૧૯૭૪થી આ બેઠક ધરાવે છે.


