લંડનઃ 1984માં ભારતના અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરમાં હાથ ધરાયેલા ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટનની ભુમિકાની જજ દ્વારા જાહેર તપાસ શરૂ કરવામાં નહીં આવે તો 1 ઓગસ્ટથી લેબર સાંસદોનો બહિષ્કાર કરવાની ધમકી શીખ ફેડરેશન યુકે દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ પ્રકારના બહિષ્કારમાં રાજકીય નેતાઓ અથવા જાહેર વ્યક્તિઓને જાહેરમાં બોલતાં અટકાવાય છે.
ઓપરેશન બ્લૂ સ્ટારની 41મી એનિવર્સરી પ્રસંગે રવિવારે ટ્રફાલગર સ્ક્વેર ખાતે 10000 કરતાં વધુ શીખ સમુદાયના લોકો રેલીમાં જોડાયાં હતાં. બ્રિટનના 455 ગુરુદ્વારા અને શીખ સંગઠનો દ્વારા હસ્તાક્ષર કરાયેલા પત્રમાં ઉપરોક્ત ચેતવણી અપાઇ હતી.
2024માં સંસદની ચૂંટણી યોજાઇ તે પહેલાં હાલના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરે આ પ્રકારની તપાસનું જાહેરમાં વચન આપ્યું હતું. લેબર પાર્ટી પણ તેના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપી ચૂકી છે.
ફેડરેશનની માગ છે કે ભારતીય સેનાના ઓપરેશનમાં યુકેની ભુમિકા ઉપરાંત માર્ગારેટ થેચરના કાર્યકાળમાં બ્રિટનમાં શીખો વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીની પણ તપાસ કરવામાં આવે. ફેડરેશન સાંસદોનો સંપર્ક કરીને તેમનું લેખિત સમર્થન માગી રહ્યું છે. ફેડરેશને ચેતવણી આપી છે કે જો અમારી માગ પુરી કરવામાં નહીં આવે તો ઘણા લેબર સાંસદોનું ફરી વાર ચૂંટાઇ આવવું મુશ્કેલ બની રહેશે.


