લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને સ્પષ્ટ કર્યું છે કે બ્રેક્ઝિટ પછી તેમની પાર્ટી ઈયુ સિંગલ માર્કેટ છોડવાની તરફેણમાં છે. આનાથી પક્ષની નીતિ વિશે મહિનાઓ જૂના ગૂંચવાડાનો અંત આવ્યો છે. જોકે કસ્ટમ્સ યુનિયન છોડવા મુદ્દે પાર્ટીએ વલણ સ્પષ્ટ કર્યું ન હોવાનું કોર્બીને જણાવ્યું હતું.
કોર્બીને બીબીસી વનના ધ એન્ડ્રયુ માર શોમાં જણાવ્યું હતું કે સિંગલ માર્કેટ અને ઈયુ સભ્યપદ એકબીજા સાથે અનિવાર્યપણે સંકળાયેલા છે. લેબર પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈયુ સાથે ટેરિફમુક્ત વેપાર અને ભવિષ્યમાં ઈયુ સાથે સારા સંબંધોની ભાગીદારી ઈચ્છે છે પરંતુ, કસ્ટમ્સ યુનિયનના સભ્યપદ અંગે વાડની કોઈ બાજુએ ગયા નથી.
કોર્બીનના નિવેદનથી લેબર પાર્ટીમાં બ્રેક્ઝિટ વિખવાદ બહાર આવી ગયો છે અને પાર્ટીના ઈયુતરફી સાંસદોમાં રોષ વ્યાપ્યો છે. પૂર્વ ફ્રન્ટબેન્ચર ચુકા ઉમન્નાએ જણાવ્યું હતું કે,‘આઈસલેન્ડ, લિચેનસ્ટેઈન અને નોર્વે જેવાં દેશો ઈયુના સભ્ય ન હોવાં છતાં સિંગલ માર્કેટમાં છે. મોટા ભાગના લેબર સાંસદો સિંગલ માર્કેટમાં રહેવાની તરફેણ કરે છે.’
ઉલ્લેખનીય છે કે ક્વીન્સ સ્પીચના મતદાનમાં ૪૯ લેબર સાંસદે બ્રિટને સિંગલ માર્કેટમાં રહેવું જોઈએ તેવા ઉમન્નાના સુધારાને ટેકો આપ્યો હતો. આ પછી, કોર્બીને ત્રણ ફ્રન્ટબેન્ચરની હોદ્દાઓ પરથી હકાલપટ્ટી કરી હતી અને ચોથાએ રાજીનામું આપ્યું હતું.


