લંડનઃ ઇમિગ્રેશન પર તરાપ મારતી સ્ટાર્મર સરકારની નીતિઓના કારણે 50,000 નર્સ યુકે છોડીને ચાલી જાય તેવી ચેતવણી એક રિસર્ચમાં અપાઇ છે. જો આટલી મોટી સંખ્યામાં નર્સ દેશ છોડીને ચાલી જાય તો એનએચએસમાં સૌથી મોટી કટોકટી સર્જાશે.
સ્ટાર્મર સરકારે ઇમિગ્રેશન પર લગામ કસવા યુકેમાં કાયમી વસવાટ માટેની મુદત પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરી નાખી છે. તે ઉપરાંત વિદેશી કર્મચારીઓની સ્કીલ રિક્વાયરમેન્ટ વધારીને ડિગ્રી લેવલ કરી નાખવામાં આવી છે, અંગ્રેજી ભાષાનું સ્ટાન્ડર્ડ પણ વધારી દેવાયું છે.
નર્સિંગ સેક્ટરના અગ્રણીઓનું કહેવું છે કે સરકારની નીતિઓ અનૈતિક છે અને ઉચ્ચ કુશળતા ધરાવતા માઇગ્રન્ટ્સનો રાજકીય ફૂટબોલની જેમ ઉપયોગ કરી રહી છે. નર્સનું સામુહિક પલાયન દર્દીઓની સુરક્ષા જોખમમાં મૂકશે અને એનએચએસમાં વેઇટિંગ ટાઇમ ઘટાડવાના સરકારના પ્રયાસોને મોટો ફટકો પડશે.
આમ તો માઇગ્રન્ટ વર્કર્સ માટેના પ્રસ્તાવો તમામ સેક્ટરને અસર કરશે પરંતુ સૌથી ગંભીર અસર હેલ્થ સેક્ટરને થશે. રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા કરાયેલા સરવે અનુસાર એનએચએસમાં કામ કરી રહેલા વિદેશી અને સોશિયલ કેર કર્મચારીઓમાં તણાવ વધી રહ્યો છે.
હાલ એનએચએસમાં બે લાખ કરતાં વધુ વિદેશી નર્સિંગ સ્ટાફ કામ કરી રહ્યો છે. જે એનએચએસના કુલ 7,94,000 કર્મચારીઓના 25 ટકા જેટલો છે. સરકારે જે રીતે ઇનડેફિનેટ લીવ ટુ રિમેઇન (આઇએલઆર)માં બદલાવકર્યા છે તેના કારણે વિદેશી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેમાંના ઘણા યુકે છોડી જવા વિચારણા કરી રહ્યાં છે.
2024માં 4,880 ડોક્ટર યુકે છોડી અન્ય દેશોમાં ચાલ્યા ગયા
નર્સોની સાથે મોટી સંખ્યામાં વિદેશી ડોક્ટરો યુકેમાંથી પલાયન કરી રહ્યાં છે. 2024માં વિદેશમાં તાલીમ લઇને આવેલા 4,880 ડોક્ટર યુકે છોડીને ચાલ્યા ગયાં હતાં. વર્ષ 2023માં આ આંકડો 3,869 હતો જે વર્ષ 2024માં 26 ટકાનો વધારો દર્શાવે છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનની રિપ્રેઝન્ટેટિવ બોડીના અધ્યક્ષ ડો. અમિત કોચરે જણાવ્યું હતું કે, એનએચએસમાં વિદેશી ડોક્ટરોની મોટી ભાગીદારી છે. તેમના વિના આરોગ્ય સેક્ટર ગંભીર મુશ્કેલીમાં મૂકાઇ જશે.

