લંડનઃ બ્રિટનમાં લેબર પાર્ટીની સ્ટાર્મર સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ સંખ્યામાં અમીરો દેશ છોડી ગયાં છે. લેબર સરકાર દ્વારા લદાયેલા કરવેરાના બોજના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પણ બ્રિટનથી દૂર ભાગી રહ્યાં છે જેના કારણે અર્થતંત્રને મોટું નુકસાન થઇ રહ્યું છે. અમીરોનું પલાયન વ્યાપક બની રહ્યું હોવાથી નોન ડોમિસાઇલ રેસિડેન્ટ્સ પરનો કરબોજ પાછો ખેંચી લેવાની માગ બુલંદ બની રહી છે. ટેક્સ એડવાઇઝરોના મત અનુસાર ઓટમ બજેટમાં કરવેરામાં વધારાની જાહેરાત બાદ બ્રિટન છોડી જવાની તૈયારી કરી રહેલા મિલિયોનર્સની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.
2024માં 10,800 મિલિયોનર્સ બ્રિટન છોડી ગયાં હતાં જે વર્ષ 2023ની સરખામણીમાં 157 ટકાનો વધારો દર્શાવે છે. તેનો અર્થ એ થયો છે દેશ છોડી જનારા અમીરોના મામલામાં ચીન પછી બ્રિટન બીજા ક્રમે રહ્યો હતો.
યુકેના ધનવાનો ઇટાલી અને સ્વિત્ઝર્લેન્ડ સહિતના યુરોપિયન દેશો તથા યુએઇની પસંદગી કરી રહ્યાં છે. 2024માં 78 સેન્ટી મિલિયોનર્સ અને 12 બિલિયોનર્સ બ્રિટન છોડી ચાલ્યા ગયા હતા. જુલાઇ 2024માં સંસદની ચૂંટણી થયા બાદ દર 45 મિનિટે એક ડોલર મિલિયોનર બ્રિટન છોડી ગયો હતો.
એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સના જણાવ્યા અનુસાર 2023માં યુકેમાં 74,000 નોન ડોમ્સ હતાં. તેમાંથી 37,800 તો ઓછામાં ઓછા 7 વર્ષથી યુકેમાં વસવાટ કરે છે. વિદેશની આવક પર કરવેરાથી બચવા માટે તેઓ વાર્ષિક 30,000 પાઉન્ડની ફી ચૂકવી રહ્યાં હતાં. એપ્રિલ મહિનાથી સદીઓ પુરાણી કર વ્યવસ્થામાં બદલાવ આવી રહ્યો છે અને પહેલીવાર નોન ડોમ્સે વિદેશી આવક પર ટેક્સ ચૂકવવો પડશે.


