લેસ્ટર ખાતે ભરૂચ વહોરા પટેલ સમાજનું સંમેલન યોજાયું

Wednesday 08th June 2016 07:09 EDT
 
 

લેસ્ટરઃ ભરૂચ વહોરા પટેલોના પ્રથમ સંમેલનમાં સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં લેસ્ટરમાં ઊમટી પડયા હતા. જેમાં લેસ્ટરસ્થિત લો ફર્મના ડિરેકટર રફીકભાઈએ સમાજના બાળકોને હાયર એજયુકેશન લઈ શિક્ષિત બનાવવા પોતાની ફર્મ તરફથી સંગઠનને શક્ય તમામ સહાય કરવા જણાવ્યું હતું.

ભારતથી ખાસ આવેલા મુખ્ય મહેમાન ઈકબાલ પાદરવાલાએ દાનની રકમનો ઉપયોગ સમાજમાં ગરીબી દુર કરવા તેમજ ગરીબોને ગૃહઉદ્યોગ દ્વારા પાપડ, અથાણા, મરી મસાલાના ઉત્પાદન અને માર્કેટીગ દ્વારા સ્વરોજગારી ઉભી કરવા પર ભાર મુકી સમાજને સ્વાવલંબી અને સમૃદ્ધ બનાવવા જણાવ્યું હતું.

સમાજના દાનવીર મરહૂમ અહમદજી કહાનવાલા અને નાથલીયા શેઠને યાદ કરી લેસ્ટરના યુવાન ઉદ્યોગપતિ શાજીદ પટેલે સમાજને સંગઠિત બનાવવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાજ સંગઠિત હશે તો ગમે તે કાર્ય કરી શકાશે. સમાજ માટે કોમ્યુનિટી સેન્ટર, નવયુવાનો માટે સ્પોર્ટ્સ ક્લબ, મેરેજ બયુરો ઉપરાંત, સમાજ વીકએન્ડ કે સામાજીક પ્રસંગે એક જ સ્થળે એકત્ર થાય તેવું પ્લેટફોર્મ બનાવવા ભાર મુકી નવી પેઢીને આપણી સંસ્કૃતિમાં રસ લેતી કરવા જણાવ્યું હતું.

ઉદ્યોગપતિ અને પૂર્વ કાઉન્સિલર હુસેનભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ યાકુબભાઈ દસુ તેમજ મેહબુબભાઈ અકુજીએ સમાજના સંગઠન પર ભાર મુક્યો હતો. સમાપનમાં સમાજના ગૌરવવંતા આલીમ અને PHD ડો. અશરફ સાહેબે શિક્ષણ અને સંગઠનનું મહત્ત્વ સમજાવી દુઆ કરાવી હતી. સમગ્ર મીટીંગનું સંચાલન મહમંદભાઈ ફોજદારે કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter