લંડનઃ લેસ્ટરમાં ગયા વર્ષે હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સર્જાયેલા તણાવની તપાસ માટેની રિવ્યૂ પેનલમાં 3 વ્યક્તિની નિયુક્તિ કરી છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022માં લેસ્ટર શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે થયેલા ટકરાવના કારણો જાણવા માટે સ્વતંત્ર તપાસ સમિતિ રચવાની સરકારે જાહેરાત કરી હતી. કોમ્યુનિટી સેક્રેટર માઇકલ ગોવે 2023ના પ્રારંભે આ સમિતિના ચેરમેન તરીકે લોર્ડ ઇયાન ઓસ્ટિનની નિયુક્તિ કરી હતી પરંતુ તેનો લેસ્ટરના કેટલાક મુસ્લિમ કાઉન્સિલરો અને જૂથોએ એમ કહીને વિરોધ કર્યો હતો કે લોર્ડ ઓસ્ટિન પક્ષપાતી માનસિકતા ધરાવે છે.
હવે આ સ્વતંત્ર તપાસ પેનલના સભ્યો તરીકે કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડિસ્પેરિટીઝના પૂર્વ કમિશ્નર ડો. સમીર શાહ સીબીઇ, માન્ચેસ્ટર યુનિવર્સિટી ખાતેના સોશિયોલોજીના પ્રોફેસર હિલેરી પિલ્કિન્ગટન અને એનએચએસ ઇંગ્લેન્ડમાં ડિજિટલ ડેવલપમેન્ટના વડા ડો. શાહ મેહબૂબની નિયુક્તિ કરાઇ છે. આ પેનલ તણાવના સમયગાળામાં કેવી ઘટનાઓ બની હતી અને તેના શું કારણ હતાં તેની તપાસ કરી આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે ભલામણો કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2022ના રોજ લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે મોટાપાયે અથડામણો થઇ હતી.

