લેસ્ટર રમખાણોની સ્વતંત્ર તપાસ કરવાનો યુકે સરકારનો આદેશ

લોર્ડ ઓસ્ટિનના નેતૃત્વમાં સ્વતંત્ર પેનલ દ્વારા રમખાણો માટે જવાબદાર કારણો અને પરિબળોની તપાસ કરી સરકારને રિપોર્ટ સોંપાશે, ભારતીય સમુદાયના લોકોએ સરકાર દ્વારા કરાયેલા સ્વતંત્ર તપાસના નિર્ણયને આવકાર આપ્યો

Tuesday 30th May 2023 11:41 EDT
 
 

લંડનઃ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ લેસ્ટરમાં સર્જાયેલા હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચેના તણાવની સ્વતંત્ર તપાસ કરવા યુકેની સરકારે આદેશ આપ્યો છે. લેસ્ટરના હિન્દુ-મુસ્લિમ રમખાણની તપાસ માટે સરકાર દ્વારા પહેલીવાર આદેશ અપાયો છે. યુકેના લેવલિંગ અપ, હઉસિંગ અને કોમ્યુનિટી માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇકલ ગોવ દ્વારા આ આદેશ જારી કરાયો છે.

માઇકલ ગોવે વેસ્ટ મિડલેન્ડ્સના લોર્ડ ઓસ્ટિનના નેતૃત્વમાં એક સ્વતંત્ર પેનલની રચના કરી છે. આ પેનલ લેસ્ટરમાં કોમી રમખાણો માટેના જવાબદાર કારણો અને પરિબળોની તપાસ કરશે. આ પેનલ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી ભલામણો, પ્રસ્તાવો અને સૂચનો રજૂ કરશે.

અગાઉ લેસ્ટર કાઉન્સિલે આ ઘટનાઓની તપાસ માટે હેટ ક્રાઇમ એક્સપર્ટ ડો. ક્રિસ એલનની નિયુક્તિ કરી હતી પરંતુ ઇન્ટરનેટ પર ક્રિસ એલનને પરેશાન કરાયા બાદ તેમણે તપાસમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. હવે લેસ્ટર કાઉન્સિલ દ્વારા આ મામલામાં કોઇ તપાસ નહીં થાય. લેસ્ટરના કોમી રમખાણો પર ઘણા પ્રાઇવેટ સંગઠનો અને ચેરિટી દ્વારા પોતાના રિપોર્ટ પ્રસિદ્ધ કરાયાં છે.

લેસ્ટરમાં બોબી રેસ્ટોરન્ટના માલિક ધર્મેશ લાખાણીએ જણાવ્યું હતું કે, હવે તપાસ સરકાર દ્વારા થઇ રહી હોવાથી અગાઉના રિપોર્ટ કરતાં તે વધુ અધિકૃત હશે. મને ખુશી છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ તપાસ શરૂ કરાઇ છે. અમે આ તપાસમાં સંપુર્ણ સહકાર આપીશું. અમે આ તપાસની લાંબા સમયથી માગ કરી રહ્યાં હતાં.

હિન્દુ ફોરમ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે આ તપાસ દ્વારા સત્ય બહાર આવશે. કન્ઝર્વેટિવ કાઉન્સિલર હેમંત ભાટિયાએ જણાવ્યું હતું કે, લોકોને અન્ય ઇન્કવાયરી કરતાં સરકારની તપાસ પર વધુ ભરોસો છે.

લોર્ડ ઓસ્ટિને જણાવ્યું હતું કે, અમે ઘટના અંગેની સંપુર્ણ માહિતી મેળવવા માટે લેસ્ટરના લોકો સાથે વાત કરીએ તે અત્યંત મહત્વનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter