લેસ્ટર સાઉથમાં શૌકત પટેલ દ્વારા ચૂંટણી કાયદાઓનું ધરાર ઉલ્લંઘન કરાયાનો આરોપ

વિજયમાં શૌકતને તેમના કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ભાઇ ઇસ્માઇલ અને તેની વેબસાઇટની સહાય, મતદાન પહેલાં ઉશ્કેરણીજનક પત્રિકાઓ વહેંચવામાં આવી હોવાના આરોપોની પોલીસ દ્વારા તપાસ

Tuesday 16th July 2024 11:43 EDT
 
 

લંડનઃ પાંચમી જુલાઇની વહેલી સવારે ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યાં હતાં ત્યારે પોતાના વિજયને વધાવી લેતાં લેસ્ટર સાઉથના વિજેતા અપક્ષ ઉમેદવાર શૌકત આદમ પટેલ ઘોષણા કરી રહ્યાં હતાં કે આ વિજય ગાઝા માટે છે. સવાલ એ છે કે શું આ વિજયમાં શૌકતને તેમના કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ભાઇ અને તેની વેબસાઇટની સહાય મળી હતી. લેસ્ટર સાઉથમાં ચૂંટણી કાયદાઓનું ઉલ્લંઘન કરાયું હતું કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

શૌકતના ભાઇ ઇસ્માઇલે 90ના દાયકામાં યરૂશાલેમની મુલાકાત બાદ પેલેસ્ટિનિયનોના અધિકારોની વકીલાત કરવાનું શરૂ કર્યું હતું. પરત આવ્યા બાદ તેણે ફ્રેન્ડ્સ ઓફ અલ અક્સાની સ્થાપના કરી હતી. ઇસ્માઇલ મોહમ્મદ સવાલ્હા દ્વારા સ્થાપિત બ્રિટિશ મુસ્લિમ ઇનિશિયેટિવનો પ્રવક્તા પણ બન્યો હતો. મોહમ્મદ સવાલ્હા યુકેમાં આવ્યા પહેલાં વેસ્ટ બેન્કમાં હમાસની આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હોવાનો અમેરિકાએ આરોપ મૂક્યો હતો. ઇસ્માઇલ પણ હમાસનો કટ્ટર સમર્થક છે.

2018માં મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટની લેસ્ટરની શાખાના પ્રમુખ બન્યા બાદ શૌકત આગમ પટેલ સક્રિય થયા હતા. તેમને કાઉન્સિલ ખાતે ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા માટે પ્રચાર કરવાનું કામ સોંપાયું હતું. આ ગ્રુપની રચના થઇ ત્યારથી તેના પર કટ્ટરવાદી હોવાના આરોપ મૂકાતા આવ્યા છે. 2019માં શૌકત આદમ લેબર રાજનીતિમાં સંકળાયા હતા.

7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ 17 નવેમ્બર 2023ના રોજ લેસ્ટરમાં યોજાયેલી પેલેસ્ટાઇન તરફી રેલીમાં શૌકતે જણાવ્યું હતું કે, આપણે મુખ્ય રાજકીય પાર્ટીઓને મત આપીશું નહીં. મીડિયામાં તેમના દ્વારા ફેલાવાતા જુઠ્ઠાણામાં વિશ્વાસ કરીશું નહીં. મંચ પર તેમની સાથે મજિદ ફ્રીમેન પણ હતો. શૌકત આદમ સ્થાનિક સાંસદ એશવર્થના ઇઝરાયેલ તરફી વલણથી પણ ઘણા નારાજ હતા. તેમના ભાઇ ઇસ્માઇલે પણ ફ્રેન્ડ્સ ઓફ અલ અક્સાના નેજા હેઠળ સમગ્ર દેશમાં રેલીઓ યોજવામાં સહાય કરી હતી.

ચૂંટણીની જાહેરાત બાદ શૌકતે એશવર્થ સામે ઝંપલાવવાની ઘોષણા કરી હતી. મતદાનના 10 દિવસ પહેલાં 24 જૂને શૌકતને યુઇલેક્ટ વેબસાઇટનું સમર્થન પ્રાપ્ત થયું હતું. વેબસાઇટ પર શૌકતને ટોપ રેટેડ ઉમેદવાર ગણાવવામાં આવ્યા હતા. આ વેબસાઇટે શઔકતના સમર્થનમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતોના નાણા પણ ચૂકવ્યા હતા. પરંતુ મતદારો જાણતા નહોતા કે શૌકતના ભાઇ ઇસ્માઇલે 2010માં આ વેબસાઇટ શરૂ કરી હતી. જોકે શૌકત આ વેબસાઇટ સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કરે છે.

એશવર્થનો આરોપ છે કે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર દ્વારા ઉશ્કેરણીજનક પ્રયાસો કરાયા હતા. તેમના મસ્જિદોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો અને સડકો પર તેમનો પીછો કરવામાં આવતો હતો. તેમની સાથે ગાઝા મુદ્દે વાદવિવાદ કરાતો હતો. એશવર્થે આરોપ મૂક્યો છે કે મતદાન મથકોની બહાર પણ ઉશ્કેરણી કરવામાં આવી રહી હતી. તેમણે પુરાવા તરીકે કેટલાંક ચોપાનિયા પણ રજૂ કર્યાં છે. લેસ્ટર સાઉથમાં આ પ્રકારના હજારો ચોપાનિયા વહેંચવામાં આવ્યાં હતાં. ઘણા રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે કેટલાંક લોકોની ગેંગો દ્વારા આ પત્રિકાઓ વહેંચીને ઉશ્કેરણી કરાતી હતી. જે ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ કહે છે કે કોણે નાણા ચૂકવ્યા છે તેની માહિતી વિના ચૂંટણી મટિરિયલ વહેંચવું એક અપરાધ બને છે.

લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે, ચૂંટણી કાયદાઓનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે સ્પેશિયાલિસ્ટ ઓફિસરો તપાસ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter