લંડનઃ ગયા સપ્તાહમાં લેસ્ટર સિટી કાઉન્સિલ પર સાયબર હુમલો થતાં ફોન લાઇનો અને આઇટી સિસ્ટમો ખોરવાઇ ગઇ હતી. સાયબર હુમલાના કારણે કાઉન્સિલની ફોન લાઇનો અને આઇટી સિસ્ટમો બંધ કરી દેવાનો નિર્ણય કરાતાં જનતાને કાઉન્સિલની સેવાઓથી વંચિત રહેવાની નોબત આવી હતી. જનતાને થયેલી અસુવિધા માટે કાઉન્સિલે માફી માગતાં જણાવ્યું હતું કે અમે સમસ્યાને હળવી બનાવવાના તમામ પ્રયાસ કરી રહ્યાં છીએ. કાઉન્સિલ દ્વારા વધારાની ફોન લાઇનો સક્રિય કરાઇ હતી જોકે તાકિદની સેવાઓ મેળવવા ઇચ્છતા લોકોને નેટવર્ક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કાઉન્સિલે સાયબર હુમલા અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.