લંડનઃ મે અને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની હિંસક અથડામણો પર એક સ્વતંત્ર ઇન્કવાયરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ પર ફેલાવાયેલી અફવાઓના કારણે હિંસા ભડકી હતી અને શહેરના મેયર, કાઉન્સિલ અને પોલીસ હિંસા અટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના રિસર્ચર્સ દ્વારા કરાયેલા અભ્યાસમાં ઉપરોક્ત તારણ અપાયું છે.
કોમી ભાઇચારા માટે જાણીતા ઇસ્ટ મિડલેન્ડ્સના આ શહેરમાં હિંસક અથડામણોમાં વ્યાપક તોડફોડ કરાઇ હતી. મકાનો અને બિઝનેસો પર હુમલા કરાયા હતા. હિંસા સાથે સંકળાયેલા મામલાઓમાં 50 કરતાં વધુ લોકોની ધરપકડ કરાઇ હતી. ઇન્કવાયરીનું નેતૃત્વ માનવ અધિકાર નિષ્ણાત અને સંયુક્ત રાષ્ટ્રના વિશેષ અધિકારી જુઆન મેન્ડેઝે કર્યું હતું. ઇન્કવાયરી દ્વારા સોમવારે બેટર ટુ ગેધરઃ અંડરસ્ટેન્ડિંગ ધ 2022 વાયોલન્સ ઇન લેસ્ટર મથાળા હેઠળ 200 પાનાનો રિપોર્ટ જારી કરાયો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તણાવ નિયંત્રણમાં લેવા અથવા તો રહેવાસીઓને સુરક્ષા આપવા શહેરના મેયર પીટર સોલ્સબી અને સિટી કાઉન્સિલ દ્વારા કોઇ નેતૃત્વ લેવામાં આવ્યું હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. મેયરનો સંપર્ક કરવા અને તેમના હસ્તક્ષેપના વારંવારના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યાં હતાં.
રિપોર્ટમાં પોલીસની નિષ્ફળતા અંગે જણાવવામાં આવ્યું છે કે લેસ્ટર પોલીસ પાસે ગુપ્તચર માહિતીનો અભાવ હતો. લેસ્ટરની પોલીસના નિર્ણયો અપુરતા હતા. લેસ્ટરની પોલીસ દક્ષિણ એશિયન સમુદાયો વચ્ચેના કોમી પરિમાણોને સમજવામાં સંપુર્ણપણે નિષ્ફળ ગઇ હતી. જોકે પોલીસના કેટલાંક પગલાંએ હિંસાને વધુ ફેલાતા અટકાવી હતી.
ઇન્કવાયરી દ્વારા એવી પણ ટીકા કરવામાં આવી છે કે સત્તાવાળાઓ દ્વારા બે કોમ વચ્ચે શાંતિ માટે વર્ષ 2022થી કોઇ પ્રકારના બેઠકો અને ચર્ચાનું આયોજન કરાયું નથી.
ઇન્કવાયરીએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સપોર્ટર્સ વચ્ચેની અથડામણો સહિત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલી હિંસા મહિનાઓથી વધી રહેલા તણાવનું પરિણામ હતી. મે મહિનામાં હિન્દુ યુવાનો એક જૂથ દ્વારા એક મુસ્લિમ યુવાને માર મારવામાં આવતા તણાવનો પ્રારંભ થયો હતો. સપ્ટેમ્બરના પ્રારંભે એક હિન્દુના ઘર પર ઇંડાથી હુમલો કરાયો અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ હિન્દુઓ દ્વારા બેલગ્રેવથી મુસ્લિમ બહુલ એવા ગ્રીન લેન રોડ સુધી રેલીનું આયોજન કરાયું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને ઇસ્લામિક રાજકીય નેતાઓ બંનેએ રાજકીય લાભ માટે કોમવાદને ભડકાવ્યો હતો.
ઇન્કવાયરીના મહત્વના તારણો
- હિંસા માટે કોઇ એક જૂથ જવાબદાર નહોતું, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો પીડિત પણ હતા અને હિંસા ભડકાવવામાં પણ સામેલ હતા
- ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવેલી અફવાઓ હિંસા માટે મુખ્યત્વે જવાબદાર હતી
- નવી માઇગ્રેશન પેટર્નના કારણે લેસ્ટરમાં કોમી ભાઇચારો અત્યંત નાજૂક અવસ્થામાં પહોંચ્યો છે
- યુકેમાં દક્ષિણ એશિયન સમુદાયો વચ્ચે પ્રવર્તતા કોમવાદ પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ
યુકેમાં અગાઉ ક્યારેય આ સ્તરે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ધ્રુવીકરણ જોવા મળ્યું નથીઃ ચેતન ભટ્ટ
રિસર્ચમાં સામેલ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે સોશિયોલોજીના પ્રોફેસર ચેતન ભટ્ટે જણાવ્યું હતું કે, યુકેમાં અગાઉ ક્યારેય હિન્દુ અને મુસ્લિમ વચ્ચે આ સ્તરે ધ્રુવીકરણ જોવા મળ્યું નહોતું. ક્યારેય સેંકડો હિન્દુઓ અથવા સેંકડો મુસ્લિમોને એકબીજા પર હુમલો કરવા એકઠાં થતાં જોયાં નથી. કોમવાદ યુકેમાં સામુદાયિક સંબંધોને જોખમમાં મૂકે છે.


