લંડનઃ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે થયેલી અથડામણની ચાલી રહેલી તપાસમાં જનતાને તેમના મંતવ્ય અને અનુભવો જણાવવા અપીલ કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ લેસ્ટરમાં બંને સમુદાય વચ્ચે અથડામણો થઇ હતી. પોલીસે આ મામલામાં 60 લોકોની ધરપકડ કરી હતી.
લેસ્ટરની એક સ્વતંત્ર રીવ્યૂ પેનલ આ હિંસાની તપાસ કરી રહી છે. આ તપાસનો ઉદ્દેશ્ય હિંસા ક્યાંથી અને કેવી રીતે શરૂ થઇ અને આ પ્રકારની ઘટનાઓ પરથી શું પદાર્થપાઠ શીખી શકાય તે છે. આ રીવ્યૂ પેનલનું નેતૃત્વ પૂર્વ લેબર સાંસદ ઇયાન ઓસ્ટિન કરી રહ્યાં છે અને તેઓ ઇચ્છે છે કે જનતા આ તપાસમાં તેમની મદદ કરે.
ઓસ્ટિને જણાવ્યું હતું કે, અમે સેંકડો લોકોની જુબાની લીધી છે. અમે સ્થાનિક કાઉન્સિલરો, સામુદાયિક સંગઠનો, સ્વયંસેવી સંસ્થો અને ધાર્મિક સંગઠનોની પણ રજૂઆતો સાંભળી છે. અમે ઇચ્છીએ છીએ કે લેસ્ટરમાં કોઇપણ વ્યક્તિ આ ઘટનાઓ અંગે પોતાનું મંતવ્ય કે રજૂઆત આપવા માગતા હોય તો તેઓ આગામી ચાર સપ્તાહમાં રીવ્યૂ પેનલ સાથે મુલાકાત કરી શકે છે.
જો કે આ તપાસમાં ઇયાન ઓસ્ટિનના સમાવેશ સામે મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.


