લેસ્ટર હિંસાની તપાસ માટે ડો. ક્રિસ એલેનની નિયુક્ત સામે હિન્દુઓનો ઉગ્ર વિરોધ

સર પીટર સોલ્સબીએ એક સમુદાયની તરફેણ કરનારને તપાસ સોંપી છે – દીપક બજાજ

Wednesday 02nd November 2022 05:08 EDT
 
 

 લંડન

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી કોમી હિંસાની તપાસ માટે લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબી દ્વારા ડો. ક્રિસ એલેનની કરાયેલી નિયુક્તિ સામે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 15 જેટલા હિન્દુ સંગઠનોએ સર પીટર દ્વારા કરાયેલી નિયુક્તિના કારણે સ્વતંત્ર તપાસનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

લેસ્ટરના મેયરે જાહેરાત કરી હતી કે લેસ્ટર યુનિવર્સિટીના હેટ સ્ટડીઝ ખાતેના એસોસિએટ પ્રોફેસર ડો. ક્રિસ એલેન દ્વારા સપ્ટેમ્બર મહિનામાં બનેલી ઘટનાઓની સ્વતંત્ર તપાસ કરાશે. જેની સામે ઘણા હિન્દુ સંગઠનોના આગેવાનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

તાજેતરમાં જ ડો. ક્રિસ એલેને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, લેસ્ટરની હિંસામાં મને મુસ્લિમ ઉગ્રવાદની ભુમિકા જણાતી નથી. હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું કે, અમે એવો ચુકાદો આપી રહ્યાં નથી કે લેસ્ટરની હિંસામાં ઇસ્લામિક કટ્ટરવાદનો પ્રભાવ હોય પરંતુ તપાસ પહેલાં જ આ પ્રકારનું નિવેદન ડો. એલેન દ્વારા નિષ્પક્ષ તપાસ કરાશે કે કેમ તેના પર સવાલો સર્જે છે. તેમણે તેમના નિવેદનના સમર્થન માટે કોઇ ચોક્કસ પુરાવા પણ રજૂ કર્યાં નથી.

આ પહેલાં મેયર સર પીટર સોલ્સબીએ પણ ચેનલ ફોર ન્યૂઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું માનુ છું કે લેસ્ટરની હિંસામાં હિન્દુત્વની રાષ્ટ્રવાદી વિચારધારાની પણ ભુમિકા છે. હિન્દુત્વ અને હિન્દુ ધર્મ અલગ છે. મેયરના આ નિવેદન સામે પણ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. મેયર દ્વારા આ નિવેદન પાછુ ખેંચવામાં આવે તેવી માગ કરતા સંગઠનોએ જણાવ્યું હતું કે, તેમના આ નિવેદનના કારણે અમને સ્વતંત્ર તપાસ પર વિશ્વાસ નથી. તેમણે સાચી સ્વતંત્ર તપાસ માટે ઉચ્ચ પારદર્શકતાથી કામ કરવું જોઇએ.

હિન્દુ સંગઠનોએ આરોપ મૂક્યો હતો કે ડો. એલેન હિન્દુ સમુદાય પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે. સર પીટરે પણ આ તપાસની વિગતો દીવાળી પછી જાહેર કરવાના વચનનું પાલન કર્યું નથી.

તાજેતરમાં જ લેબર પાર્ટીને છોડીને કન્ઝર્વેટિવ પાર્ટી સાથે હાથ મિલાવનારા કાઉન્સિલર દીપક બજાજે ડો. એલેન પર પક્ષપાતનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, શહેરના મેયરે એક એવી વ્યક્તિની તપાસ માટે નિયુક્તિ કરી છે જેમણે પહેલેથી એક સમુદાયની તરફેણ કરતા મંતવ્યો જાહેર કર્યાં છે. તેથી રિવ્યૂ પેનલની રચના ન કરાય ત્યાં સુધી આ તપાસ રોકી દેવી જોઇએ.

સર પીટર દ્વારા જાહેર કરાયેલી તપાસમાં ડો. એલેન સાથે કામ કરતા સંશોધકો જોડાશે જેઓ વિવિધ સમુદાયના સેંકડો લોકો સાથે વાત કરશે. તે ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોલીસ અને સિટી કાઉન્સિલના અધિકારીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે. આ તપાસનો અહેવાલ માર્ચ 2023માં રજૂ કરાય તેવી સંભાવના છે.

ડો. એલેન પુરાવાના આધારે સ્વતંત્ર તપાસ કરનારની પ્રતિષ્ઠા ધરાવે છે – સિટી મેયર

સિટી મેયર સર પીટરે જણાવ્યું હતું કે, ડો. એલેન ફક્ત પુરાવાના આધારે સ્વતંત્ર તપાસ કરીને ચુકાદો આપવાની પ્રતિષ્ઠા ધરાવે છે. તેમના અગાઉના કાર્યોના કારણે જ મોટી સંખ્યામાં હિન્દુઓ સહિતના લોકોએ તપાસ તેમને સોંપવાની ભલામણ કરી હતી. મને એ વાતનો ખેદ છે કે હજુ તેમણે તપાસની કામગીરી શરૂ કરી નથી તે પહેલાં જ કેટલાક લોકો દ્વારા તેમના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.

હું દરેક પ્રકારની કટ્ટર વિચારધારાઓ પર સંશોધન કરતો આવ્યો છું – ડો.ક્રિસ એલેન

હેટ ક્રાઇમમાં છેલ્લા બે દાયકાથી સંશોધનો કરતા ડો. ક્રિસ એલેને જણાવ્યું હતું કે, હું એકલો આ મામલાની તપાસ કરવાનો નથી. તેના માટે એક એડવાઇઝરી પેનલની નિયુક્ત પણ કરાઇ છે. અમારું કામ ધાર્મિક આધારે કરાતા હેટ ક્રાઇમનું સંશોધન કરવાનું છે. તે ફક્ત કટ્ટર ઇસ્લામિક વિચારધારા પુરતું મર્યાદિત નથી. લેસ્ટર હિંસાની સ્વતંત્ર તપાસ માટેની મારી નિયુક્ત પર ઉઠાવાતા સવાલોથી મને આશ્ચર્ય થયું છે. હું યુરોપિયન  સંઘ, બ્રિટન સરકાર અને ઘણા સ્થાનિક સત્તામંડળો દ્વારા સોંપાયેલી તપાસ નિષ્પક્ષતાથી કરી ચૂક્યો છું. તેના કારણે જ મને આ કામગીરી સોંપવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter