લેસ્ટર હિંસામાં હિન્દુ કટ્ટરવાદના કોઇ પુરાવા સામે આવ્યા નથી – થિન્ક ટેન્ક

સોશિયલ મીડિયા પર સક્રિય તત્વોએ કોમી તણાવને હિન્દુત્વ અને આરએસએસના કટ્ટરવાદ સાથે સાંકળીને રજૂ કર્યો હતો – હેન્રી જેક્શન સોસાયટી થિન્ક ટેન્ક

Wednesday 16th November 2022 04:42 EST
 
 

લંડન

લેસ્ટર અને બર્મિંગહામમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થયેલી હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચેની અથડામણોમાં હિન્દુત્વ અથવા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કટ્ટરવાદના કોઇ પુરાવા સામે આવ્યા નથી. હેન્રી જેકસન સોસાયટી થિન્ક ટેન્ક દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લેસ્ટર અને બર્મિંગહામના કોમી તણાવમાં હિન્દુત્વ અથવા તો આરએસએસની કટ્ટર વિચારધારાની સંડોવણીના કોઇ પુરાવા નથી. રિપોર્ટમાં તારણ અપાયું છે કે આતંકવાદ સાથે સંકળાયેલા કેટલાક સોશિયલ મીડિયા પર સક્રિય તત્વો અને જૂથો દ્વારા તણાવ વકરાવીને હિંસાને પ્રોત્સાહન અપાયું હતું.

એચજેએસની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટમાં રિસર્ચ ફેલો શાર્લોટ લિટલવૂડે જણાવ્યું છે કે બ્રિટનભરમાં દેખાવો કરવા માટે મુસ્લિમોને ઉશ્કેરવા સોશિયલ મીડિયા પર સક્રિય એવા તત્વો દ્વારા કોમી તણાવ પાછળ આરએસએસના આતંકવાદીઓ જવાબદાર હોવાની અફવાઓ ફેલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર 8 લાખ કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતી એક વ્યક્તિએ લેસ્ટરમાં મુસ્લિમોના ટોળાની આગેવાની લેતા વીડિયો પોસ્ટ કરી હિન્દુ ફાસીવાદ સામે મુસ્લિમોને એકજૂથ થવા અને સડકો પર ઉતરવા આહવાન કર્યું હતું.

લિટલવૂડે જણાવ્યું હતું કે, લેસ્ટરમાં એકબીજા પ્રત્યે ધિક્કારની લાગણી ધરાવતા હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે થયેલી ગેરસમજના કારણે વ્યાપક કોમી તણાવ ફેલાયો હતો અને તેને ખોટી રીતે હિન્દુ કટ્ટરવાદ અને આતંકવાદ સાથે સાંકળીને રજૂ કરાયો હતો.

દોઢ લાખ કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતા એક વ્યક્તિએ હિન્દુઓ દ્વારા એક મુસ્લિમ યુવતીનું અપહરણ કરાયું હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. તેણે સોશિયલ મીડિયા પર અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાન સ્થિત ડી કંપની સાથે સંકળાયેલો છે. તેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ગુણગાન પણ ગાયા હતા.

અન્ય એક વ્યક્તિએ લેસ્ટરની હિંસા પાછળ હિન્દુત્વએ મહત્વની ભુમિકા ભજવી છે તેવા બ્રિટિશ મીડિયાના અહેવાલોને વધુ હવા આપી હતી. આ વ્યક્તિએ અગાઉ તાલિબાન અને આઇએસઆઇએસના આતંકવાદીઓ માટે નમાઝ અદા કરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, શાળાઓમાં સજાતિય સંબંધોના શિક્ષણનો વિરોધ કરનાર એક વ્યક્તિએ બર્મિંગહામમાં હિન્દુ મંદિરનો ઘેરાવ કરવા માટે મુસ્લિમ ટોળાની ઉશ્કેરણી કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

સમાજમાં નફરત ફેલાવવા માટે દોષી ઠરી ચૂકેલા મૌલવી અંજેમ ચૌધરી અને પ્રતિબંધિત સંગઠન હિઝ્બ – ઉત –તહરિરે પણ લેસ્ટરની હિંસાને હિન્દુત્વ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter