બોગસ ફેઈથ હીલર્સથી સાવધ રહેવા લોકોને મિડલેન્ડ્સ પોલીસની ચેતવણી

Monday 25th May 2015 11:50 EDT
 
 

લેસ્ટરઃ મિડલેન્ડ્સ પોલીસે કેન્સર જેવી જીવલેણ બીમારીથી માંડી નાણાકીય મુશ્કેલી સુધી તમામ બાબતોમાં ‘ઉપચાર’ના બદલામાં નાણા પડાવતા બોગસ ફેઈથ હીલર્સથી સાવધ રહેવાની લોકોને નવેસરથી ચેતવણી આપી છે. ગત થોડાં સપ્તાહમાં લેસ્ટરના બેલગ્રેવ વિસ્તારમાં સંખ્યાબંધ વિજ્ઞાપન પત્રિકાઓ મળ્યાના પગલે આ ચેતવણી અપાઈ છે. ઓફિસરોએ લોકો સાથે કથિત ઠગાઈ કરી નાણા પડાવવા બદલ બે શકમંદો તપાસ હેઠળ હોવાને સમર્થન આપ્યું છે.

મિડલેન્ડ્સ પોલીસ દળે અગાઉ, ચમત્કારિક પ્રાર્થનાશક્તિના ઉપયોગથી શાપ દૂર કરવા, લગ્નોમાં ભંગાણ સાધવા અને નાણાકીય સમસ્યાઓનું સમાધાન કરવાનો દાવો કરનારા ઉપચારકો વિરુદ્ધ ચેતવણીઓ જારી કરી હતી. આ શહેરને નિશાન બનાવનારા અન્ય બોગસ હીલર્સે તેઓ કેન્સર અને HIV સહિતની બીમારી દૂર કરી શકતા હોવાનો દાવો કર્યો હતો.

લેસ્ટરના સ્પીની હિલ પાર્ક પોલીસ સ્ટેશનના કમાન્ડર ઈન્સ્પેક્ટર બેન ગિલાર્ડે કથિતપણે જણાવ્યું હતું કે તાજેતરના સપ્તાહોમાં લોકોના ઘેર મોકલાયેલી તેમજ કારના વિન્ડસ્ક્રીન્સ પર લગાવાયેલી નવી પત્રિકાઓ સંદર્ભે અધિકારીઓને સાવધ કરાયા છે. શહેરના ફેઈથ જૂથોના અગ્રણી સભ્યોએ અગાઉ પોલીસને ચેતવણીને ટેકો આપી લેસ્ટર સિટી કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમને વધુ તપાસ માટે સામગ્રી પૂરી પાડી હતી. પોલીસ સાથે મળીને અધિકારીઓ નવી પત્રિકાઓ સંબંધે તપાસ ચલાવી રહ્યા છે.

કોમ્યુનિટી તરફથી વારંવારની ફરિયાદ અને વિનંતીના પગલે આ જ પ્રકારની કાર્યવાહીમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા બનાવટી ફેઈથ હીલર્સ વિરુદ્ધ ઝૂંબેશ ચલાવાઈ હતી. આ પ્રક્રિયામાં અખબારી જૂથે આવા ફેઈથ હીલર્સ દ્વારા £૫૦,૦૦૦ની રેવન્યુ ગુમાવવા છતાં પોતાનું ગૌરવ અને ઉચ્ચ મૂલ્યો જાળવી રાખ્યા હતા. અમે તો ટેલીવિઝન ચેનલ્સ અને અન્ય અખબારોને આ ફેઈથ હીલર્સને વિજ્ઞાપન માટે જગ્યા નહિ ફાળવવા વિનંતી પણ કરી હતી.

પોલીસે આ ફેબ્રુઆરીમાં ઠગારાઓ સામેની ઝૂંબેશમાં ૫૦ વર્ષીય મોહમ્મદ અશર્ફીની ધરપકડ અને સજાના પગલે નોંધપાત્ર પ્રશંસા મેળવી હતી. અશર્ફીને ફ્રોડના ૧૪ આરોપ અને બ્લેકમેઈલના એક આરોપસર નવ વર્ષ જેલની સજા ફરમાવાઈ હતી. તેણે પોતાના શિકાર પાસેથી અંદાજે £૬૫૦,૦૦૦ની રકમ પડાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter