લેસ્ટર માંધાતા સિનિયર સિટિઝન લંચન ક્લબનો મિલન સમારંભ યોજાયો

Wednesday 13th July 2016 07:13 EDT
 
 

લેસ્ટરઃ તાજેતરમાં લેસ્ટર માંધાતા સિનિયર સિટિઝન લંચન ક્લબનો મિલન સમારંભ લેસ્ટરથી બાર માઈલના અંતરે કિથોર્પ મેનર ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ વિસ્તારોના ૪૫૦ જેટલા સિનિયર સિટિઝન ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ સાથે સભ્યોનો મિલન સમારંભ યોજવાનું ક્લબના મોવડીઓ ડાહ્યાભાઈ પટેલ, બી. આર. પટેલ, લલ્લુભાઈ ડી. પટેલ, ભાનુભાઈ પટેલ અને ડી. એલ. પટેલનું સ્વપ્ન સાકાર થયું હતું.

સમારંભમાં લેસ્ટરમાં વેમ્બલી માંધાતા ડે સેન્ટર, કોવેન્ટ્રી માંધાતા સંસ્થા, વુલ્વરહેમન્ટન, વોલસોલ, બિલ્સટન, વેસ્ટ બ્રોમીચ, સટેલીબ્રીજ અને લૂટનના સભ્યો હાજર રહ્યા હતા. દરેક સંસ્થાના અગ્રણીઓએ તેમના સેન્ટર-ક્લબનો પરિચય આપવા સાથે મિલન સમારંભના આયોજન બદલ લેસ્ટર માંધાતા સિનિયર સિટિઝન લંચન ક્લબના સંચાલકોને ધન્યવાદ પાઠવ્યા હતા. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ૯૦મા જન્મદિનની ઉજવણી પણ આ મિલન સમારંભમાં કરાઈ હતી.

સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેમ્બલીના વસંતભાઈ પટેલે સુગમ સંગીતના બે ગીત રજૂ કરી ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા. ત્રણ સગી બહેનો મીના પટેલ, ગીતા પટેલ અને ભારતી પટેલે મધુર સ્વરમાં જૂના ફિલ્મી ગીતો દ્વારા શ્રોતાઓને વીતેલા વર્ષોની સ્મૃતિ તાજી કરાવતાં શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

લેસ્ટરના લંચન ક્લબના સંચાલક ડાહ્યાભાઈ પટેલે આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમારંભમાં લોકોએ સ્વાદિષ્ટ ભોજન તેમજ નાસ્તાનો પણ આનંદ માણ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સભ્યોએ સંસ્થાને ડોનેશન પણ આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના દાંડી ગામના મનુભાઈ પટેલ અને તેમના પત્ની શોભનાબહેને સંસ્થાને મોટી રકમનું દાન આપ્યું હતું. લેસ્ટરના કિરીટભાઈએ તેમની માતાના ૮૦મા જન્મદિન નિમિત્તે £ ૧૦૦૧ નું દાન કર્યું હતું. અમલસાડ નજીકના કરોડ ગામના વતની અને કિથોર્પ મેનરના માલિક ભરતભાઈ પટેલ અને શ્રીમતી મીનાબહેન પટેલે માતા-પિતાની સ્મૃતિમાં આ સ્થળના ઉપયોગ બદલ ક્લબ પાસેથી કોઈ રકમ વસુલ કરી નહોતી, જેને એક પ્રકારનું દાન જ ગણાવીને ક્લબના સંચાલકોએ તેમને ધન્યવાદ આપ્યા હતા. ક્લબ દ્વારા દાતાઓ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ કોઈનો આભાર માનવામાં આવ્યો હતો.

મિલન સમારંભના અંતે તમામ લોકોના ચહેરા પર આનંદની લાગણી સ્પષ્ટપણે વર્તાતી હતી. આવતા વર્ષે પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવો જોઈએ તેવો સૌનો સૂર હતો. આ લાગણી સાથે સૌએ સમારંભ સ્થળેથી વિદાય લીધી હતી.

લેસ્ટર માંધાતા સિનિયર સિટિઝન લંચન ક્લબના ૧૫૦થી વધુ સભ્યો છે. ક્લબ કાઉન્સિલ અથવા સરકાર પાસેથી કોઈ આર્થિક ગ્રાન્ટ લેતી નથી. દર વર્ષે ક્લબ દ્વારા વિવિધ દેશોના ધાર્મિક, ઐતિહાસિક તથા પર્યટન સ્થળો તેમજ રાષ્ટ્રીય સ્મારકોની મુલાકાત માટે ટૂરનું આયોજન કરવામાં આવે છે. ક્લબના સભ્યો જીવનના સંધ્યાકાળની નિરાશાને ખંખેરીને તેને ઉત્સાહપૂર્વક માણી રહ્યા છે.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ દ્વારા વડિલ સન્માન કાર્યક્રમનું આયોજન આપણા વડિલો પરત્વેનું ઋણ ચૂકવવાના ઉમદા આશય સાથે જ કરવામાં આવે છે. બન્ને સાપ્તાહિકો દ્વારા વારંવાર બ્રિટનના વિવિધ સમુદાયોને વિનંતી કરવામાં આવે છે કે સંસ્થાઓ અને સંગઠનોએ વડિલોનું સન્માન તેમની રીતે કરવું જોઇએ અને આ કાર્યક્રમો માટે જોઇતી તમામ મદદ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ દ્વારા કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter