લેસ્ટરના શાહબાઝ અને સનાનુ માર્ગ અકસ્માતમાં મોત

આવતા મહિને સગાઇ અને આગામી વર્ષે લગ્ન થવાના હતા: ભરૂચ જીલ્લાના ટંકારીયાના મૂળ વતની હતા

Tuesday 08th December 2015 10:07 EST
 

ભરુચ જીલ્લાના ટંકારીયા ગામના મૂળ વતની અને હાલમાં લેસ્ટર ખાતે રહેતા ૨૩ વર્ષના શાહબાઝ ભીમ અને તેની ફીયોન્સે સના સુતરીયા (ઉ.વ.૨૪)નું ગત ગુરૂવારે રાત્રે નોટીંગહામશાયરમાં એ-૪૬ રોડ પર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા ભરૂચ અને લેસ્ટરશાયર વિસ્તારના મુસ્લિમ સહિત ગુજરાતી પરિવારોમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. માસુમ વય ધરાવતા શાહબાઝ અને સનાની સગાઇ આ મહિને અને નિકાહ આગામી વર્ષે નક્કી કરાયા હતા, પરંતુ કાળની એક જ થાપટે બન્નેના પરિવારોએ પોતાના વહાલસોયાં સંતાનોને ગુમાવી દીધા છે.

મળતી માહિતી મુજબ લેસ્ટરના ગ્વેન્ડોલેન રોડ પર રહેતા અને લેસ્ટરના સીટી સેન્ટરમાં આવેલ ગ્રેનબી રોડ પર આવેલ હાર્ટ એસ્ટેટ એજન્સીમાં ફરજ બજાવતા શાહબાઝ સલીમભાઇ ભીમ અને લેસ્ટરના ગ્રીન લેન રોડ પર રહેતી સના ઇનાયતભાઇ સુતરીયા ગત તા. ૩ ડિસેમ્બર ૨૦૧૫ના ગુરૂવારના રોજ રાત્રે ૧૦-૩૫ના સુમારે ડીનર કરીને નોટંિગહામશાયર તરફથી બીએમડબ્લયુ - થ્રી સીરીઝની કારમાં પરત આવતા હતા ત્યારે અકસ્માત થયો હતો.

સના અને શાહબાઝની સગાઇ ડિસેમ્બર માસની રજાઅો દરમિયાન કરવાનું બન્નેના પરિવારે નક્કી કર્યું હતું અને ચાર-પાંચ માસ પછી તેમના લગ્ન નિર્ધારીત કરાયા હતા.

લેસ્ટર, ભરૂચ અને ટંકારિયામાં માતમનો માહોલ

મિત્રો અને પરિચીતોના હ્રદયમાં અનેરી લોકચાહના મેળવનાર શાહબાઝ અને સનાનું કરૂણ મોત નિપજતા લેસ્ટર, ભરૂચ અને તેમના વતન ટંકારિયા ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો છે. શાહબાઝ અને સના બન્ને મૂળ ભરૂચ જીલ્લાના ટંકારિયા ગામના વતની છે.

શાહબાઝના પિતા સલીમભાઇ ગુલામભાઇ ભીમ ૧૯૯૨માં યુકે આવ્યા હતા અને તેમના ભાઇ સિરાજભાઇ ભીમ ભરૂચમાં સાપ્તાહિક અખબાર 'પ્રત્યાઘાત' ચલાવે છે અને ભરૂચ નુરાની સોસાયટીમાં રહે છે. તેઅો સોમવારે યુકે આવનાર છે. શાહબાઝના નિધનના સમાચાર મળતાં જ તેની માતા ઝરીનબેનની હાલત કફોડી ગઇ હતી. ડિપ્રેસનથી પિડાતા ઝરીનાબેનને એમ્બયુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. તેમની હાલત એટલી ખરાબ ગઇ હતી કે બે કલાક સુધી 'હમણા મારો શાહબાઝ ઘરે આવશે' એમ કહીને દરવાજા તરફ દોડી જતા હતા.

શાહબાઝના પિતા સલીમભાઇ લેસ્ટરની કપડા બનાવતી કંપની ફીગા સ્ટોર્સ લિ.માં ફેક્ટરી અોફિસ મેેનજર અને બુકકિપર તરીકે સેવાઅો આપે છે અને તેમને અન્ય દિકરો રિયાઝ અને દિકરી હુમેરા છે. અકસ્માતની જાણ થતા સનાના કાકા સિરાજભાઇ સોમવારે યુકે આવનાર છે.

બીજી તરફ સનાના પરિવારજનોનું પણ મૂળ વતન ભરૂચ જીલ્લાનું ટંકારિયા ગામ છે અને સનાના નાના-નાની વડોદરા જીલ્લાના સાંસરોદ ગામમાં રહે છે. સનાના પિતાજી ઇનાયતભાઇ સુતરીયા મિનીકેબ ચલાવે છે જ્યારે તેમના પત્ની સઇદાબેન ઘર સંભાળે છે. જે દિકરીની લાડેકોડે સગાઇ કરવાની હતી તેજ દિકરી આમ અકસ્માતમાં મોતને ભેટતા સનાના પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું હતું. સનાનો પરિવાર વર્ષો પહેલા મુંબઇ સ્થાયી થયો હતો અને ૩૫-૪૦ વર્ષ પહેલા તેેઅો યુકે આવી ગયા હતા.

બચી તો ગયા, પણ મોતને હાથતાળી આપી ન શક્યા

શાહબાઝ અને સનાની બીએમડબલ્યુ થ્રી સીરીઝની કારને એ-૬૦૬ની દક્ષિણે આવેલા સાઉથબાઉન્ડ કેરેજ વે પર અકસ્માત થયો હતો. શાહબાઝના પિતા સલીમભાઇના જણાવ્યા મુજબ શાહબાઝની કાર રોડ પર ભરાયેલા પાણીને કારણે સ્કીડ થઇને રોડ નીચે પડી હતી. પરંતુ સારા નસીબે સાધારણ ઇજાઅો સાથે સના અને શાહબાઝ બચી ગયા હતા અને કારમાંથી બહાર નીકળીને રોડ પર આવ્યા હતા. પરંતુ કમનસીબે તેઅો રોડ પર પહોંચતા જ પાછળથી આવેલી વેન અદ્દલ શાહબાઝની કારની જેમ જ ફંગોળાઇ હતી અને શાહબાઝ અને સનાને અડફેટે લઇ ગંભીર ઇજા હોંચાડી હતી. જેમાં બન્નેનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે વાનના ડ્રાઇવરને ઇજાઅો થતા તેને સારવાર અર્થે નોટિંગહામની ક્વીન્સ મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જેની હાલત સુધારા પર જણાવાય છે. પોલીસે હાલને તબક્કે સત્તાવાર રીતે અકસ્માત પાછળનું કારણ જણાવ્યું નથી. પરંતુ અકસ્માત પાછળ ખરાબ હવામાન જવાબદાર હોવાનું મનાય છે.

સનાને શિક્ષક બનવુ હતું

સનાએ લિંકનની બિશપ ગ્રોસ્ટેસ્ટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને હાલમાં ઇન્સયુરંશ કંપની માટે કામ કરતી હતી. પરંતુ સનાની મુખ્ય ઇચ્છા તો શિક્ષક બનવાની હતી અને તે સુયોગ્ય જોબની શોધમાં હતી. આદર્શ વિચારસરણી ધરાવતી સનાને શિક્ષક થવું અને બાળકોને ભણાવીને કાબેલ બનાવવાની અદમ્ય ઇચ્છા હતી. પરંતુ વિધીની વક્રતા કે તેનું સ્વપ્ન પૂર્ણ થઇ શક્યું નહતું.

શાહબાઝની ઇચ્છા આકાશને અંબવાની હતી

લેસ્ટરની રિજેન્ટ કોલેજ અને લેસ્ટર કોલેજમાંથી બીટેક લેવલ થ્રીનો અભ્યાસ કરનાર શાહબાઝની ઇચ્છા આકાશને અંબવાની હતી. લેસ્ટર કોલેજમાંથી પીટર જોન્સ એન્ટરપ્રાઇઝ એકેડેમી કોર્સ કરનાર શાહબાઝ 'નેશનલ એન્ટ્રપ્રેન્યોર અોફ ધ યર એવોર્ડ' માટે સેંકડો વિદ્યાર્થીઅોમાંથી પસંદ થયો હતો બીજા નંબર પર આવ્યો હતો. મુસ્લિમ ધર્મને સાચા અર્થમાં અનુસરતો શાહબાઝ દારૂને અડકતો પણ નહોતો. શાહબાઝ હંમેશા પાર્ટીમાં જાય ત્યારે લોકોને દારુની પ્યાલીઅો સાથે ફરતા જોઇને બેચેની મહેસુસ કરતો. પોતાના જેવી જ તકલીફ અન્ય લોકો પણ અનુભવતા હશે તેવો વિચાર આવતા તેણે દારૂ નહિ પીતા લોકો માટે 'નોન આલ્કોહોલિક કોકટેઇલ મોબાઇલ બાર'નો પ્રોજેકટ બનાવ્યો હતો. આવા બારને લગ્ન પ્રસંગે અને પાર્ટીઝમાં લઇ જઇ શકાય જેથી લોકો કોકટેઇલ અને અન્ય પીણાંની મહેમાનો મોજ માણી શકે. શાહબાઝની ઇચ્છા ઉદ્યોગ સાહસિક બનવાની હતી અને તેણે ૨૦૧૪માં બીબીસી પર આવતા 'ડ્રેગોન્સ ડેન શો'માં પણ ભાગ લીધો હતો.

હાર્ટ એસ્ટેટ એજન્સીમાં 'સેલ્સ નેગોશીયેટર' તરીકે નોકરી કરતા શાહબાઝને બનાવના દિવસે ગુરૂવારે જ એક કંપનીમાં એરિયા મેનેજરની સારા પગારની જોબ અોફર થઇ હતી અને તેણે આ જોબ તા. ૪ જાન્યુઆરીથી શરૂ કરવાની હતી. શાહબાઝની નવી નોકરીના આનંદના સમાચારથી ઘરમાં સૌ કોઇ ખુશ હતા. શાહબાઝ અને સના તેની ઉજાણી કરવા પોતાની બીએમડબ્લયુ કાર લઇને બહાર જમવા ગયા હતા પરંતુ પરત થતાં અકસ્માત સર્જાયો હતો. સના અને શાહબાઝને તેમના ઘણા બધા મિત્રો અને પરિચિતોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.

સના-શાહબાઝના અંતિમસંસ્કાર બુધવારે?

સના અને શાહબાઝના મૃતદેહ હજુ સુધી કોરોનર દ્વારા સોંપાયા નથી. પરંતુ યુગલની અંતિમ વિધી સંભવત: બુધવારે બપોર પછી કરાશે એમ જાણવા મળ્યું છે. ધ મુસ્લિમ બુરિયલ કાઉન્સિલ અોફ લેસ્ટરશાયરના ચેરમેન સુલેમાન નાગદીએ જણાવ્યું હતું કે "સામાન્ય રીતે મુસ્લિમ સંપ્રદાયમાં અંતિમ વિધી નિધનના ૨૪ કલાકના સમયગાળામાં કરાતી હોય છે. પરંતુ માર્ગ અકસ્માત અને અન્ય બનાવમાં થોડુ મોડુ થતું હોય છે. વળી અકસ્માતનો બનાવ નોટીંગહામશાયરમાં બન્યો હોવાથી અને વિકેન્ડ આવી જતા મોડુ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter