લંડનઃ લેસ્ટરના પૂર્વ સાંસદ એન્ડ્રુ બ્રિજને પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક પર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં ભાગ લેવા, ભયજનક સ્થિતિમાં મૂકવા અને રોજગાર મુશ્કેલ બનાવવાના આરોપ મૂકી કાયદાકીય પગલાં લેવાની ધમકી ઉચ્ચારી છે. તેમણે આરોપ મૂક્યો છે કે રિશી સુનાકે તત્કાલિન હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક સાથે મળીને સંસદમાં તેમજ જાહેરમાં બ્રિજને એન્ટિસેમિટિક કામો કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. કોરોના વેક્સિનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી સરકારને પડકાર આપવાના કારણે સજા આપવા તેમને આ રીતે બદનામ કરાયાં હતાં. રિશી સુનાકના વકીલોએ બ્રિજનના આરોપો નકારી કાઢતાં જણાવ્યું હતું કે, પૂર્વ સાંસદે કોઇપણ પુરાવા વિના પાયાવિહોણા દાવા કર્યાં છે. રિશી સુનાકે બ્રિજન વિરુદ્ધ કોઇ ગેરકાયદેસર કાર્યવાહી કરી નથી.


