લંડનઃ લેસ્ટરશાયરના લેભાગુ મિતલ મહેતાને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ યોજના દ્વારા સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી આચરવાના કેસમાં 1,24,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે. મહેતાએ ફ્રોડ દ્વારા ઠગાઇના 21 ગુના કબૂલી લીધા બાદ તેને પાંચ વર્ષ અને 3 મહિના કેદની સજા પણ ફટકારવામાં આવી છે. લેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર 45 વર્ષીય મહેતાએ અપરાધિક પ્રવૃત્તિ દ્વારા 7,60,000 પાઉન્ડથી વધુનો ચૂનો લગાવ્યો હતો. લેસ્ટર ક્રાઉન કોર્ટે મહેતાની ઉપલબ્ધ સંપત્તિઓ જપ્ત કરવાનો પણ આદેશ અપાયો છે
મિતલ મહેતાએ કુલ 24 લોકોને પ્રોટીન બારના વ્યવસાયમાં રોકાણ કરવાના બદલામાં તગડો નફો આપવાની ખાતરી આપી હતી. તેણે પ્રીમિયર લીગ ફૂટબોલ મેચોની ટિકિટની ખરીદી અને વેચાણના નામે પણ લોકો સાથે છેતરપિંડી કરી હતી. મહેતાએ આ પૈસા પોતાના વૈભવી જીવન અને જુગારની લત પૂરી કરવા માટે વાપર્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તપાસ લાંબી અને અત્યંત જટિલ હતી અને આરોપી દ્વારા છેતરાયેલા પીડિતોની સંખ્યા નોંધપાત્ર હતી.


