લેસ્ટરના મેયર પદની ચૂંટણીમાં ગુજરાતી સંજય મોઢવાડિયા અને રીટા પટેલ ટકરાશે

લિબરલ ડેમોક્રેટ પરમજિતસિંહ ગીલ પણ મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવશે

Tuesday 11th April 2023 13:43 EDT
 
 

લંડન

બ્રિટનમાં આગામી મહિનાની શરૂઆતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં લેસ્ટરના મેયર પદ માટે ભારતીય મૂળના બે ગુજરાતી ઉમેદવારો સામસામે છે. મેયરની ચૂંટણી  ચાર મેના રોજ થવાની છે. કન્ઝર્વેટીવ પાર્ટીના કાઉન્સિલર સંજય મોઢવડિયા અને પૂર્વ લેબર કાઉન્સિલર રીટા પટેલ એકબીજા સામે ટકરાશે. આ વખતે રીટા પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. મોઢવાડિયા એક બિઝનેસમેન છે.
શહેરની છબિ વિશ્વસનીય બનાવવા માટે મોઢવાડિયા પોતાના પ્રચારમાં લેસ્ટરને એક બ્રાન્ડ તરીકે પ્રમુખતા આપી રહ્યાં છે. બીજી તરફ રીટા પટેલ જણાવે છે કે તે એક નવી શરૂઆત કરવા માગે છે. તેમણે લોકોને વચન આપ્યું છે કે જો તે મેયર બનશે તો તેમનું પ્રથમ કાર્ય આ પદને સમાપ્ત કરવાનું રહેશે.
બીજીતરફ લેસ્ટરમાં યોજાનારી મેયરપદની ચૂંટણીમાં પૂર્વ સાંસદ પરમજિતસિંહ ગીલ લિબરલ ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે. 2004માં યોજાયેલી પેટાચૂંટણીમાં લેસ્ટરના હાલના મેયર સર પીટર સોલ્સબીને પરાજિત કર્યા બાદ પરમજિતસિંહ ગીલ લેસ્ટર સાઉથ બેઠક પરથી હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાઇ આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદની સામાન્ય ચૂંટણીમાં સર પીટર ફરી એકવાર આ બેઠક પરથી વિજેતા થયા હતા. પરમજિતસિંહે લેબર પાર્ટી પર વંશીય લઘુમતી સમુદાયના લોકોને હળવાશથી લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, લેસ્ટરને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનના મલ્ટી કલ્ચરલ કેપિટલ તરીકે માન્યતા પ્રાપ્ત છે. લેસ્ટરમાં વસતા વિવિધ સમુદાયોના કારણે જ સ્વર્ગસ્થ રાણીએ તેની જ્યુબિલી ટૂરનો પ્રારંભ અહીંથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. બીજીતરફ લેસ્ટરની કન્ઝર્વેટિવ પાર્ટીએ નોર્થ ઇવિન્ગટનના કાઉન્સિલર સંજય મોઢવાડિયાની મેયરપદના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter