લેસ્ટર: લેસ્ટર શહેરમાં મોહસીન અલી નામના પૂર્વ ડોક્ટર પર અસાધ્ય કેન્સરના દર્દીઓને છેતરવાનો અને તેમની પાસેથી લાખો પાઉન્ડ પડાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS) ની સુનાવણી દરમિયાન બહાર આવ્યું છે કે, આ ડોક્ટરે પુરાવા-રહિત સારવાર દ્વારા કેન્સરને સરળતાથી મટાડવાની ખાતરી આપી હતી.
મોહસીન અલીએ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા એક દર્દીને સલાહ આપી હતી કે તેઓ હોસ્પિટલના ડોક્ટરોનું ન સાંભળે, કારણ કે તેઓ માત્ર કીમોથેરાપી અને રેડિયોથેરાપી દ્વારા પૈસા કમાવવા માંગે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે કેન્સર મટાડવું એટલું સરળ છે કે તે 'મની-બેક ગેરંટી' પણ આપી શકે છે.
મોહસીન અલીએ દર્દી પાસેથી 15,000 પાઉન્ડ વસૂલ્યા હતા. સારવારના નામે તેણે દર્દીને ગાર્લિક ઓઈલ, વિટામિન સી અને જોખમી ગણાતી ઓઝોન થેરાપી આપી હતી. ઓઝોન થેરાપી એક બિન-પ્રમાણિત અને વિવાદાસ્પદ પદ્ધતિ છે. તપાસમાં જાણવા મળ્યું કે તેનું ક્લિનિક રજિસ્ટર્ડ નહોતું અને ત્યાં ભારે ગંદકી હતી. તે ઈન્જેક્શનની બેગ પણ ફરીથી વાપરતો હતો, જેનાથી ચેપી રોગો ફેલાવવાનું જોખમ હતું.

