લંડન
લેસ્ટરના વિકાસ ધરમને બીઓટીબીની લાઇફસ્ટાઇલ કોમ્પિટિશનમાં 60,000 પાઉન્ડની ડ્રીમ કાર અને રોકડ રકમનું ઇનામ લાગ્યું છે પરંતુ વેરહાઉસમાં કામ કરતો વિકાસ આ રકમ પોતાની માતા માટે ખર્ચ કરવા માગે છે. વિકાસ ધરમ 2023નો સૌપ્રથમ બીઓટીબી ડ્રીમ કાર વીનર બન્યો છે. વિકાસે ગયા વર્ષથી લાઇફસ્ટાઇલ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ ઇનામ જીતવાની તકો ઘણી ઓછી હતી પરંતુ બીઓટીબીની ટીમ નવી ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઇ કાર સાથે વિકાસને ત્યાં પહોંચી ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. વિકાસને કારની સાથે 22,000 પાઉન્ડનું રોકડ ઇનામ પણ પ્રાપ્ત થયું છે. કારની કિંમત 40,500 પાઉન્ડ છે. પરંતુ વિકાસ આ કાર વેચીને તેમાંથી મળનારી રકમ તેની માતાને મદદ માટે વાપરવા માગે છે. તેણે જણાવ્યું હતું કે, હું મારી માતાને એક નવું ઘર ખરીદી આપવા માગુ છું. બીઓટીબી દ્વારા દર સપ્તાહે ડ્રીમ કાર પ્રાઇઝ અને લાઇફસ્ટાઇલ પ્રાઇઝ આપવામાં આવે છે.


