લંડનઃ લેસ્ટરના એક વૃદ્ધ દંપતી સાથે બનેલી ફ્રોડની ઘટના વિદેશ પ્રવાસ માટે ટિકિટ બુક કરાવનાર ઘણા માટે લાલ બત્તી સમાન છે. લેસ્ટરના 80 વર્ષીય દિનેશ જનસારી અને 78 વર્ષીય શશિકલા જનસારીએ અમદાવાદ જવા માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી. પરંતુ તેઓ જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પર ચેક-ઇન માટે પહોંચ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે ટિકિટ તો નકલી હતી અને તેમની સાથે ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવ્યું છે. તેના કારણે તેમને 2500 પાઉન્ડનું નુકસાન થયું હતું.
દંપતીએ બીબીસી લેસ્ટરને જણાવ્યું હતું કે, અમને જ્યારે જાણ થઇ કે ફેક પેજ દ્વારા અમારી સાથે છેતરપિંડી કરાઇ છે ત્યારે અમને ઊંડો આઘાત લાગ્યો હતો. ફ્લાય એક્સપિડિયા નામના ફેક પેજ દ્વારા તેમની સાથે આ ફ્રોડ આચરાયું હતું.
શશિકલાએ જણાવ્યું હતું કે, મારા પતિએ એક્સપિડિયા અંગે સાંભળ્યું હતું અને અમને ડીલ સારી પણ લાગી હતી. અમે નથી જાણતા કે ફ્રોડ કરનારે કેવી રીતે અમારો નંબર મેળવ્યો. તેણે વોટ્સએપ પર અમારી સાથે વાત શરૂ કરી હતી અને મારા પતિએ તેની પાસે અમારી ટિકિટ બુક કરાવી હતી.
જનસારી દંપતી આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતની મુલાકાતે જઇ રહ્યું હતું પરંતુ તેઓ હિથ્રો એરપોર્ટ ખાતે જ ફસાઇ ગયાં હતાં. તેમનો પુત્ર કાર લઇને લેસ્ટરથી તેમને લેવા આવ્યો ત્યારે તેઓ પરત લેસ્ટર ફરી શક્યાં હતાં.
આ સ્કેમ અંગે રિપોર્ટ ફ્રોડમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમની બેન્કે તેમનો સંપર્ક પણ કર્યો છે પરંતુ ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર દ્વારા ફ્રોડ થયું હોવાથી તેમના નાણા પરત મળવાની સંભાવના નહીંવત છે. આ દંપતી થોડા સમય બાદ અમદાવાદની મુલાકાતે ગયું હતું અને આ વખતે તેમણે લેસ્ટરના ટ્રાવેલ એજન્ટ જોડે ટિકિટ બુક કરાવી હતી.
શશિકલાએ જણાવ્યું હતું કે, સ્કેમર્સ ઘણા ચાલાક હોય છે. હું નથી જાણતી કે તેઓ કેવી રીતે ફ્રોડ કરે છે પરંતુ અમારા જેવા વૃદ્ધોને નિશાન બનાવી રહ્યાં છે. હું લોકોને અપીલ કરીશ કે તેઓ યુવા પેઢીની મદદ લે.


