લંડન
યુકેની તમામ કાઉન્સિલમાં 4 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને 2024માં આવી રહેલી સંસદની ચૂંટણીની સેમી ફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. લેસ્ટરમાં પણ કાઉન્સિલની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે મતદાન પહેલાના ઘટનાક્રમે લેબર પાર્ટીના વિજયની સંભાવનાઓ ઘટાડી નાખી છે. લેસ્ટરમાં બ્રિટિશ હિન્દુઓની વસતી નોંધપાત્ર સંખ્યામાં છે તેવા સમયે લેબર પાર્ટીએ તેના 6 હિન્દુ કાઉન્સિલરોની ટિકિટ કાપી નાખીને હિન્દુ સમુદાયને ચોંકાવી દીધો છે. લેસ્ટરમાં મેયરની ચૂંટણી પણ યોજાઇ રહી છે. હિન્દુ કાઉન્સિલરોની બાદબાકીના કારણે મેયર સર પીટર સોલ્સબીનું ભાવિ પણ ડામાડોળ બન્યું છે. મે મહિનામાં યોજાનારી ચૂંટણી પૂરવાર કરી દેશે કે બ્રિટિશ હિન્દુ મતદારો અને લેબર પાર્ટી વચ્ચેનું અંતર કેટલું વધી ગયું છે.
લેબર પાર્ટી હિન્દુ મતદારોને સતત નારાજ કરી રહી છે. હિન્દુ કાઉન્સિલરોની બાદબાકી બાદ હવે લેબર પાર્ટીએ વડપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ પર વ્યક્તિગત આરોપો મૂકતી જાહેરખબરો પ્રસિદ્ધ કરીને હિન્દુ સમુદાયની નારાજગી વહોરી લીધી છે. લેબર પાર્ટી માટે આ જાહેરાતો જોખમી પૂરવાર થઇ રહી છે.
પાકિસ્તાની ક્રિમિનલ ગેંગો સામે પગલાં લેવાની હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની જાહેરાત બાદ સંખ્યાબંધ હિન્દુ અને શિખ આગેવાનોએ સુએલા બ્રેવરમેનને સમર્થન જાહેર કર્યું છે. તેમણે સુએલાને પત્ર લખીને જણાવ્યું છે કે હિન્દુ, શિખ અને ક્રિશ્ચિયન સહિતની બિનમુસ્લિમ યુવતીઓને આ ગેંગો દ્વારા સુનિયોજિત રીતે ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. લેબર પાર્ટીએ તેની જાહેરાતમાં આ મુદ્દા પર રિશી સુનાકની ટીકા કરીને તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે તેથી હિન્દુઓમાં લેબર પાર્ટી પ્રત્યેની નારાજગીમાં વધારો થયો છે.
યુકેમાં હિન્દુઓ હવે એકજૂથ થઇ રહ્યાં છે. તેઓ લેબર પાર્ટી પર હિન્દુ વિરોધી હોવાના આરોપ મૂકી રહ્યાં છે. આ આરોપના કારણે લેબર પાર્ટીને મોટું નુકસાન થવાની સંભાવના છે. પાર્ટીને મોટી સંખ્યામાં બ્રિટિશ હિન્દુ મતદારોનું સમર્થન ગુમાવવાનો વારો આવી શકે છે.
બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસમેન કપિલ દુદકિયા કહે છે કે છેલ્લા કેટલાક વર્ષથી લેબર પાર્ટીનું વલણ હિન્દુ વિરોધી, ભારત વિરોધી રહ્યું છે. લેસ્ટરના હિન્દુ વિરોધી રમખાણોથી માંડીને પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગો પર વલણ અને રિશી સુનાક વિરુદ્ધના એડ કેમ્પેન બદઇરાદાભર્યાં લાગે છે અને તેથી હિન્દુઓ હવે લેબર પાર્ટી સાથેના તેમના સંબંધો પર પુનઃવિચાર કરી રહ્યાં છે.


