લેસ્ટરની બળપ્રયોગ ઘટનામાં પંડિત શાસ્ત્રી અને ધર્મેશ લાખાણીને કોમ્યુનિટીનું મજબૂત સમર્થન

વયોવૃદ્ધ પૂજારી પર આદમ એહમદના બળપ્રયોગના વીડિયોથી સર્જાયેલો તણાવ

Tuesday 26th September 2023 14:16 EDT
 

લંડનઃ યુકેના લેસ્ટરમાં 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની ઉજવણી ચાલી રહી હતી ત્યારે આદમ એહમદ નામના પોલીસ ઓફિસરે વયોવૃદ્ધ પૂજારી પર વધુપડતા બળનો ઉપયોગ કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ જતા ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. દેખીતી રીતે જ એહમદ માટે આ પ્રથમ ઘટના ન હતી. અગાઉ પણ, રામકથાના ઈવેન્ટમાં પણ તેઓ હિન્દુ ભાવિકો સાથે મારપીટ કરતા દેખાયા હતા. લગભગ એક વર્ષ અગાઉ, લેસ્ટરના પૂર્વ વિસ્તારમાં મુસ્લિમ અને હિન્દુ સમુદાયના યુવાનો વચ્ચે ચકમક ઝર્યા પછી મોટા પાયે તોડફોડ, હુમલાઓ અને સંપત્તિ પર હુમલાઓના દિવસો પછી સંખ્યાબંધ ધરપકડનો દોર ચાલ્યો હતો. હવે આ નવો તણાવ સર્જાયો છે.

જુલાઈ મહિનામાં X (અગાઉના ટ્વીટર) પર ફરેલા વીડિયોઝમાં પોલીસ ઓફિસર એહમદ દ્વારા રામ કથા ઈવેન્ટમાં હિન્દુ ભાવિકો સાથે ગેરવર્તાવ પછી આ નવી ઘટનાએ પોલીસ ઓફિસરના વર્તન અને હિન્દુફોબિયા વિશે ચિંતાના મુદ્દા ઉભા કર્યા છે. યુકેમાં ઓગસ્ટ 2022થી હિન્દુઓ પર હુમલાઓ વધી રહ્યા છે ત્યારે કેટલાક હિન્દુ પરિવારો હિંસા અને સંપત્તિને થતાં નુકસાનથી ત્રાસી લેસ્ટર છોડી રહ્યા છે. ધાર્મિક તહેવારો દરમિયાન તણાવ ન સર્જાય તે માટે લેસ્ટરશાયર પોલીસે ઈવેન્ટ આયોજકોને સભા-મેળાવડા કે સરઘસ વિશે આગોતરી જાણકારી આપવા જણાવ્યું છે. તાજેતરમાં અનિયોજિત સરઘસ બાબતે પોલીસે 55 વર્ષીય કોમ્યુનિટી અગ્રણી ધર્મેશ લાખાણીની કરેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હવે પોલીસના મનસ્વી વર્તની ફરિયાદની તપાસ હાથ ધરાઈ છે.

હિન્દુ સમુદાયના જ્યોત્સના પાલા દ્વારા ઓનલાઈન પિટિશનમાં સોમવાર 18 સપ્ટેમ્બરની સાંજે શિવાલય ટેમ્પલની બહાર ઘટેલી ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કરાયો છે. હાર્ટ પેશન્ટ ધર્મેશ લાખાણી અને મંદિરના વયોવૃદ્ધ પૂજારી પંડિત શાસ્ત્રીજી સાથે સાર્જન્ટ આદમ એહમદના ગેરવર્તાવની આકરી ટીકા કરવા ઉપરાંત, સંબંધિત પોલીસ ઓફિસરની કામગીરી બાબતે સ્વતંત્ર તપાસ કરાય ત્યાં સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

કોમ્યુનિટીના સભ્યોનું મજબૂત સમર્થન

લેસ્ટર ઈસ્ટના પૂર્વ સાંસદ કીથ વાઝે જણાવ્યું હતું કે, ‘ગણેશ ચતુર્થીના તહેવાર સમયે પોલીસ ઓફિસરે જે બે વ્યક્તિ સાથે ગેરવર્તાવ કર્યો તે પંડિત શાસ્ત્રીજી અને ધર્મેશ લાખાણીને હું વર્ષોથી ઓળખું છું. ધર્મેશ લાખાણી શાંતિપૂર્ણ અને કાયદાનું પાલન કરનારા બિનઆક્રમક વ્યક્તિ છે. મંદિરની બહાર જે થયું તેનાથી અમને ભારે આઘાત લાગ્યો છે.’ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (યુકે)ના પૂર્વ ચીફ એક્ઝિ.ઓફિસર વિનોદ કોટેચાએ જણાવ્યું હતું કે ‘લેસ્ટરના બેલગ્રેવ રોડ પરના શિવાલય ટેમ્પલની બહાર 19 સપ્ટેમ્બરે થયેલી ઘટના ભારે ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનીય હતી. પોલીસે હસ્તક્ષેપ કર્યો ત્યારે આનંદપૂર્ણ ઉત્સવનું વાતાવરણ તણાવમાં ફેરવાઈ ગયું હતું.’ કોમ્યુનિટી અગ્રણી નીતિન ગણાત્રાએ જણાવ્યું હતું કે,‘આપણે આ ઘટનાથી આગળ વધી જઈએે. પોલીસે ઘટનામાં તપાસની ખાતરી આપી છે ત્યારે પોલીસમાં વિશ્વાસ જાળવી રાખીએ. આપણે ધૂનની માફક ઉત્સવો અથવા ક્રિકેટ મેચીસમાં વિજયની શેરીઓમાં ઉજવણી કરવી ન જોઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter