લેસ્ટરમાં કાર અકસ્માતમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

અન્ય 4ને ઇજા, ભયજનક ડ્રાઇવિંગ માટે એકની ધરપકડ

Tuesday 17th December 2024 10:13 EST
 

લંડનઃ લેસ્ટરમાં થયેલા એક કાર અકસ્માતમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું અને અન્ય ચારને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં. પોલીસે ભયજનક ડ્રાઇવિંગ માટે કાર ચલાવતા ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આ તમામ વિદ્યાર્થી ભારતના આંધ્રપ્રદેશના વતની છે.

મંગળવારે વહેલી સવારે 5.45 કલાકે આ વિદ્યાર્થીઓ એ6 રોડ પર મઝદા કારમાં જઇ રહ્યાં હતાં ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર એક ખાડામાં ખાબકી હતી જેના કારણે કારમાં સવાર આંધ્રપ્રદેશના ઓન્ગોલના વતની એવા 32 વર્ષીય ચિરંજીવી પાનગુલુરીનું મોત થયું હતું. ચિરંજીવી તાજેતરમાં જ સ્વાનસી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયો હતો.

કારમાં સવાર અન્ય ચારને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. પોલીસે ભયજનક ડ્રાઇવિંગ માટે મૂળ ગુંતુરના ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. તેને પોલીસ જામીન પર મુક્ત કરાયો હતો. અન્ય ઘાયલોને પણ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter