લંડનઃ લેસ્ટરની લોકપ્રિય દીવાળીની રોશની આ વર્ષે બંધ રખાય તેવી સંભાવના પ્રબળ બની રહી છે. લેસ્ટરના મેયરે જણાવ્યું છે કે લેસ્ટરની લોકપ્રિય દીવાળી લાઇટ્સ સ્વિચ ઓન ઇવેન્ટનું બલિદાન આપવું પડી શકે છે.
લેસ્ટરમાં સામાન્ય રીતે દીવાળીની ઉજવણી માટે બે ઇવેન્ટનું આયોજન કરાય છે. જેમાંથી એક ઇવેન્ટ અંતર્ગત બેલગ્રેવ રોડ પર સમગ્ર ગોલ્ડન માઇલ પર દીવાળીની રોશની કરાય છે અને ત્યારબાદ દીવાળીની આતશબાજીનું આયોજન કરાય છે.
પરંતુ હવે શહેરના સત્તાવાળાઓ બંને ઇવેન્ટ પાછળ 2,50,000 પાઉન્ડનો ખર્ચ થતો હોવાથી બંને ઇવેન્ટને એક કરી દેવા વિચારણા કરી રહી છે. તાજેતરમાં કાઉન્સિલની મીટિંગમાં મેયર સર પીટર સોલ્સબીને 2024ની દીવાળી ઇવેન્ટ અંગે સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું હતું.
મેયર સોલ્સબીએ જણાવ્યું હતું કે, કાઉન્સિલ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે આ અંગે ચર્ચા કરી રહી છે અને દીવાળીની રોશની સામાન્ય સંજોગોની જેમ યથાવત રહેશે પરંતુ આ વખતે બે અલગ અલગ ઇવેન્ટના સ્થાને એક જ ઇવેન્ટ યોજવાની ચર્ચા ચાલી રહી છે. હું જાણું છું કે હિન્દુ સમુદાયના લોકો ઇચ્છે છે કે દીવાળીના દિવસે જ ઉજવણી કરવામાં આવે અને જો કોઇ ઇવેન્ટનું બલિદાન આપવું પડે તો તે સ્વિચ ઓન ઇવેન્ટનું અપાય. અમે આગામી વર્ષોમાં પણ એક અથવા બંને ઇવેન્ટ યોજવા માટે સ્પોન્સરશિપ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છીએ.
કન્ઝર્વેટિવ સિટી કાઉન્સિલર અબ્દુલ ઓસ્માને જણાવ્યું હતું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. દીવાળીની સ્વિચ ઓન ઇવેન્ટ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને દરેક સમુદાયના લાખો લોકો તેની મુલાકાતે આવે છે. તેનાથી શહેરના અર્થતંત્રને ઘણો લાભ થાય છે. બંને ઇવેન્ટનું આયોજન થવું જોઇએ. આ વખતે અમે કેરેબિયન કાર્નિવલનું આયોજન કરી શક્યાં નથી. અમે હવે બીજી મેજર ઇવેન્ટ ગુમાવવા માગતા નથી.
બેલગ્રેવ રોડ પર સાડીની દુકાન ધરાવતા કરણ મોઢા કહે છે કે આ એક શરમજનક બાબત છે કારણ કે છેલ્લા 40 વર્ષથી બંને ઇવેન્ટનું આયોજન થતું આવ્યું છે. અમારી દુકાન અહીં 1967થી છે અને અમે આ ઇવેન્ટનો પ્રારંભ પણ જોયો છે. ઇવેન્ટ રદ થવાના કારણે અહીંના બિઝનેસને મોટું નુકસાન થશે.


