લંડનઃ લેસ્ટરશાયરના સ્ટોર્સમાં નકલી સામાનના વેચાણ સામે પોલીસની એક મોટી કાર્યવાહીમાં અનેક ધરપકડો કરવામાં આવી છે અને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ ક્રાઇમ એજન્સીની આગેવાની હેઠળ લેસ્ટરશાયર પોલીસના સહયોગથી સમગ્ર કાઉન્ટીમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ સ્થળો પર ગેરકાયદેસર ઉત્પાદનોનું વેચાણ, કરચોરી અને ડ્રગ્સ સપ્લાય જેવા અન્ય અપરાધોમાં સંડોવણી જોવા મળી હતી.
ઇમિગ્રેશનના ગુનાઓની શંકાના આધારે બે લોકોની ધરપકડ કરાઇ હતી અને અને ગેરકાયદેસર કામદારોને નોકરી પર રાખવા બદલ એક વેપારીને 90,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઓપરેશન દરમિયાન 800 થી વધુ ગેરકાયદેસર વેપ્સ, સિગારેટના 2,500 પેકેટ, હાથથી બનાવેલા તમાકુના 290 પેકેટ, ધુમાડા રહિત તમાકુના 800 પેકેટ, દવાઓ અને ઇલેક્ટ્રોનિક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
પાર્સલ ડિલિવરી કંપની ડીપીડી પર ઇમિગ્રેશન દરોડા, 3 ભારતીયની ધરપકડ
સોમવારે લિંકનશાયરના વિથમ સેન્ટ હ્યુસ સ્થિત પાર્સલ ડિલિવરી કંપની ડીપીડીના વેરહાઉસ ખાતે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને લિંકનશાયર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બ્રિટનમાં કામ કરવાનો અધિકાર ન હોવાની શંકાના આધારે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાંથી બે અસાયલમ સીકર્સ હતા અને એક વ્યક્તિ તેના વિઝાની અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં રોકાયો હતો. પાર્સલ ડિલિવરી કંપનીએ જણાવ્યું છે કે તેના પરિસરમાં પાડવામાં આવેલા ઇમિગ્રેશન દરોડા દરમિયાન ત્રણ લોકોની ધરપકડ થયા બાદ તે હોમ ઓફિસ સાથે મળીને કામ કરી રહી છે. તે પોતાના ક્ષેત્રમાં ગેરકાયદેસર કામગીરીને રોકવા માટે હોમ ઓફિસ સાથે કામ કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

