લંડનઃ લેસ્ટરમાં ફાયર વિભાગે હાજર રહેવાનો ઇનકાર કરી દેતાં પરંપરાગત હોળીની ઉજવણીમાં અવરોધ સર્જાયો હતો. કન્ઝર્વેટિવ કાઉન્સિલરો સંજય મોઠવાડિયા અને દિલિપ જોશીએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ફાયર વિભાગ દ્વારા હોળીની ચિતા સુરક્ષિત રીતે બૂઝાવવા માટે વોટર ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નહોતું. સ્પિની હિલ પાર્કમાં હોળીની ઉજવણીમાં 1500 કરતાં વધુ લોકો હાજર રહ્યાં હતાં.
કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, 40 કરતાં વધુ વર્ષથી લેસ્ટરમાં હોળીની ઉજવણી કરાય છે પરંતુ આ વખતે અમને વોટર ટેન્કર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નહોતું. છેલ્લી ઘડીએ ફાયર વિભાગ પાસેથી પાણી મેળવવાની મંજૂરી નકારી કાઢવામાં આવી હતી. જેના કારણે ગૂંચવાડો સર્જાયો હતો. વોટર ટેન્કર ન મળવાના કારણએ ઉજવણી યોગ્ય સમયે પૂરી થઇ શકી નહોતી. અમે આ માટે લેસ્ટર સિટી કાઉન્સિલ પાસે ખુલાસાની માગ કરી છે. વર્ષમાં એકવાર 15થી 20 મિનિટ માટે વોટર ટેન્કર ઉપલબ્ધ કરાવવાની હોય છે તેથી કાઉન્સિલ આ મુદ્દે સ્પષ્ટતા કરે.
બીજીતરફ ફાયર સર્વિસે જણાવ્યું હતું કે, અમે જાન્યુઆરીમાં ઇવેન્ટના સંદર્ભમાં કોમ્યુનિટી લીડર્સ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું પરંતુ તેઓ તેમાં હાજર રહ્યા નહોતા. ઇવેન્ટના આયોજકોએ પણ મિટિંગ અંગે કોઇ પગલાં લીધાં નહોતાં. તે ઉપરાંત ફેસ્ટિવલ ફાયર્સ બૂઝાવવી અમારા માટે પડકાર હોય છે કારણે કે આ પ્રકારની ઇવેન્ટથી ઇમર્જન્સી સેવાઓ પર અસર પડે છે.


