લંડનઃ હોમ સેક્રેટરીએ જણાવ્યું છે કે યુરોપમાં બહુસાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો છે અને યુકેમાં પણ સામાજિક સંકલન સામે ધમકીરૂપ બની રહ્યો છે. અમેરિકામાં માઇગ્રેશન પર સંબોધન કરતાં બ્રેવરમેને જણાવ્યું હતું કે, બહુસાંસ્કૃતિકવાદના ગેરમાર્ગે દોરતા સિદ્ધાંતોએ સામાજિક સુરક્ષા પર ધમકીરૂપ બનવા અને સ્થિરતાને નબળી પાડવાના ઇરાદાઓ સાથે લોકોને યુકેમાં આવવાની પરવાનગી આપી છે. ગેરકાયદેસર માઇગ્રેશન પર દલીલ કરતા બ્રેવરમેને જણાવ્યું હતું કે, અનિયંત્રિત માઇગ્રેશન, અપુરતી એકતા અને બહુસાંસ્કૃતિકવાદના ગેરમાર્ગે દોરતા સિદ્ધાંતો છેલ્લા કેટલાક દાયકામાં યુરોપ માટે ઝેરી મિશ્રણ પૂરવાર થયાં છે.
આ માટે બ્રેવરમેને લેસ્ટરનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લેસ્ટરમાં બહુસાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો છે. અનિયંત્રિત માઇગ્રેશને સમુદાયોને એકબીજા સાથે સંપીને રહેવાનું મુશ્કેલ બનાવી દીધું છે. જોકે લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ બ્રેવરમેનની ટિપ્પણીઓને બદઇરાદાભરી ગણાવી હતી.

