લંડનઃ લેસ્ટરના નોર્થ ઇવિન્ગટન વિસ્તારના કન્ઝર્વેટિવ કાઉન્સિલર સંજય મોઢવાડિયાને સાથી કાઉન્સિલરને ધમકી આપવાના આરોપ મૂકાતાં 21 દિવસ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. સંજય મોઢવાડિયાએ ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં મેયરપદ માટે પણ ઉમેદવારી નોંધાવી હતી.
સ્થાનિક કન્ઝર્વેટિવ પાર્ટીના જણાવ્યા અનુસાર લેસ્ટર સિટી કાઉન્સિલમાં પાર્ટીના નેતાપદ માટે પોતાને સમર્થન આપવા સંજય મોઢવાડિયાએ સાથી કાઉન્સિલર દીપક બજાજને 18 માર્ચના રોજ પાર્ટીના સભ્યોના ભોજન સમારોહ બાદ ડોવર સ્ટ્રીટ કાર પાર્કિંગમાં કથિત ધમકી આપી હતી.
જોકે સંજય મોઢવાડિયાએ તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢ્યા હતા. લેસ્ટર કન્ઝર્વેટિવ એસોસિએશનના શહેર અધ્યક્ષને પાઠવેલા ઇ-મેલ સંદેશામાં કાઉન્સિલર દીપક બજાજે આરોપ મૂક્યો હતો કે મેં સંજય મોઢવાડિયાને સમર્થન આપવાનો ઇનકાર કરતાં તેમણે મને ધમકી આપી હતી. મોઢવાડિયાએ મારી સાથે રોષપૂર્ણ વર્તાવ કરીને મને ધક્કો પણ માર્યો હતો. જો હું કાઉન્સિલર ન હોત તો તેમણે મારી સાથે હિંસા આચરી હોત.
મોઢવાડિયાએ તેમના બચાવમાં જણાવ્યું હતું કે બજાજ દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે. બજાજ રેસ્ટોરન્ટમાંથી મારી સાથે ચાલીને બહાર આવ્યા નહોતા. હું મારી કાર પાસે ગયો ત્યારે તેઓ પાછા આવ્યા હતા અને મને લીડરશિપ અંગે સવાલ કર્યો હતો. મેં તેમને જણાવ્યું હતું કે, હું આ વખતે લીડરશિપ માટે પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે તમે આખું વર્ષ લીડર રહ્યા પરંતુ તમે કોઇ કામ કર્યું નથી. અમારી વચ્ચે લીડરશિપ અંગે સામાન્ય વાતચીત જ થઇ હતી. મેં બજાજને કોઇ ધમકી આપી નથી.