લેસ્ટરમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણો, 47ની ધરપકડ

ઇન્ડિયા હાઉસે હિન્દુ ધર્મની ઇમારતો અને પ્રતિકોની તોડફોડને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી, તોફાનો ભડકાવવા સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યાં છે – મેયર સર સોલ્સબી

Wednesday 21st September 2022 05:43 EDT
 
 

લંડન

28મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ ક્રિકેટ મેચ બાદ લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો. બેલગ્રેવ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણોના કારણે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાંચમી સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર હિંસા પ્રસરતા પોલીસે પૂછપરછ માટે 27 લોકોની અટકાયત કરી હતી. 18 સપ્ટેમ્બરના રવિવારની રાત્રે લેસ્ટરના પૂર્વ વિસ્તારોમાં માસ્ક પહેરેલા ટોળાં સડકો પર ઉતરી આવ્યાં હતાં અને મંદિરોને કથિત નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેના પગલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં કેટલાક લોકોને મેલ્ટન રોડ પરની ધાર્મિક ઇમારત પરથી ધ્વજ ઉતારી ફાડી નાખતાં જોઇ શકાતાં હતાં જેના પગલે યુવાનોના ટોળાં સડકો પર આવી ગયાં હતાં અને એકબીજા પર હુમલા શરૂ થયાં હતાં.

ઇન્ડિયા હાઉસ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે લેસ્ટરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ આચરાતી હિંસા અને હિન્દુ ધર્મની ઇમારતો અને પ્રતિકોની તોડફોડને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમે આ મામલો યુકેના સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવીને હુમલાઓમાં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. અમે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષા આપવાની પણ માગ કરીએ છીએ.

લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર તોફાનો ભડકાવવા માટે ખોટા અહેવાલો પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે. બંને સમુદાય વચ્ચે જે કાંઇ થયું તે અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. લેસ્ટરશાયર પોલીસે હિંસાને વખોડી કાઢીને બેં સમુદાયના પ્રતિનિધિઓને વાટાઘાટો કરવાની અપીલ કરી છે.

લેસ્ટરની સ્થિતિને સારી રીતે સમજવા માટે ગુજરાત સમાચારે આ વિસ્તારમાં રહેતા 40 લોકોનો સંપર્ક કર્યો હતો. વળતા હુમલા થઇ શકે છે તેવા ભયના કારણે મોટાભાગના લોકોએ નામ અને માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતીય સમુદાયે શાંતિ અને સહિષ્ણુતાની અપીલ કરી છે. ઘણા રહેવાસીઓનું કહેવું છે કે લેસ્ટરમાં સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એકતાને કોઇ હાનિ પહોંચાડી શકે નહીં. લેસ્ટર ધર્મના આધારે વિભાજિત થયું નથી અને અમે શહેરમાં એકતા જોવા ઇચ્છીએ છીએ. કેટલાક રહેવાસીઓનું માનવું છે કે તમામ ધર્મો અને સમુદાયોના આગેવાનોએ જાહેરમાં આવીને તેમના સમુદાયના લોકોને માર્ગદર્શન આપવાની જરૂર છે. લેસ્ટરમાં રહેતા એક બહેને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અફવાઓ સાચી નથી. કેટલીક ઘટનાઓને જાણીજોઇને વધારીને વર્ણવવામાં આવી રહી છે.

લેસ્ટરમાં વિવિધ સંગઠનોએ જનતાને સંયુક્ત નિવેદન જારી કરી કોઇપણ પ્રકારની હિંસા અટકાવવા અને જરૂર પડે પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. લેસ્ટરના રહેવાસીઓને આશા છે કે હિંસા આચરનારાઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે અને હવે પછી આ પ્રકારની કોઇ ઘટનાઓ ન બને તે માટે યોગ્ય સજા કરાશે. હવે નવરાત્રી, દુર્ગાપૂજા, દશેરા અને દીવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે ત્યારે હિન્દુ સમુદાયમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે.

જૈન સેન્ટર, શ્રી સનાતન મંદિર, શ્રી રામમંદિર, શ્રીજી ધામ હવેલી, હિન્દુ મંદિર, ગીતાભવન મંદિર, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, વ્રજધામ હવેલી, સ્વામીનારાયણ મંદિર, જલારામ પ્રાર્થના મંદિર, શક્તિ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, બ્રહ્મા કુમારી, ગુજરાત હિન્દુ એસોસિએશન, ઇસ્કોન, બ્રહ્મસમાજ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, લેસ્ટરમાં એકતા અને પારસ્પરિકસંબંધોને હાનિ પહોંચાડતા કોઇપણ કૃત્યોને હિન્દુ સમાજ સાંખી લેશે નહીં. હિંસા કરનારા અંગે જાણ હોય તો તાત્કાલિક તેની માહિતી પોલીસને આપો. જો કોઇને સહાયની જરૂર હોય તો પણ તાત્કાલિક પોલીસને બોલાવો. આપણે એકજૂથ થઇને સમાજમાંથી આ પ્રકારના તત્વોને જાકારો આપવો જોઇએ.

ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, તમામ સમુદાયો અને સંગઠનોએ ધિક્કાર ફેલાવનારાઓ સામે એકજૂથ થઇને ઊભા રહેવાની જરૂર છે. લેસ્ટરમાં છેલ્લા 50 કરતાં વધુ વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમુદાયો શાંતિ અને ભાઇચારાથી રહે છે. તાજેતરની હિંસક ઘટનાઓ કટ્ટર વિચારધારા ધરાવતા નવા આવેલા લોકો સાથે સંકળાયેલી છે.

 મારા એક દર્દી પર તેના ધર્મના કારણે હુમલો કરાયો – ડો. કાર્તિક કવિ

ડો. કાર્તિક કવિએ જણાવ્યું હતું કે, મેં લેસ્ટરમાં તમામ સમુદાયોને એકસાથે મળીને કામ કરતાં જોયાં છે. હું શહેરની હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે કામ કરું છું અને ધર્મના કારણે મારા એક દર્દી પર હુમલાને કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. આધુનિક લેસ્ટરમાં ધર્મના કારણે ક્યારેય હિંસા આચરવામાં આવી નથી. રમખાણો જારી રહેવાના કારણે મને મારા પરિવાર અને મિત્રોની સુરક્ષા અંગે ચિંતા છે. આજે લેસ્ટર શાંતિ ઇચ્છનારા અને અશાંતિ ફેલાવનારાઓ વચ્ચે વિભાજિત થયું છે. શહેરમાં અશાંતિ ફેલાવનારા સામે કાયદાકીય પગલાં લેવાશે તેવી મને આશા છે.

લેસ્ટરમાં બહારના લોકોએ આવીને અશાંતિ ફેલાવી – નિર્મલા ભોજાણી

પત્રકાર નિર્મલા ભોજાણી કહે છે કે હું લેસ્ટરમાં 34 વર્ષથી રહું છું અને દરેક સમુદાયના લોકો ભાઇચારાથી રહે છે. પોલીસે બર્મિંગહામના કેટલાક સહિત 47 લોકોની ધરપકડ કરી છે તેનો અર્થ એ થયો કે લેસ્ટરમાં હિંસા માટે બહારથી આવેલા લોકો જવાબદાર છે. કેટલાક વિભાજનકારી પરિબળોએ શહેરમાં અશાંતિ ફેલાવી છે ત્યારે આપણે હિન્દુઓએ શહેરની શાંતિ વધુ ન ડહોળાય તે માટે સાવચેત રહેવું પડશે. લેસ્ટરમાં શાંતિ માટે આવો આપણે એકજૂથ થઇએ.

સમુદાયોના આગેવાનોએ શાંતિની સ્થાપના માટે આગળ આવવું જોઇએ – દિપ્તી મિસ્ત્રી

1989થી લેસ્ટરમાં રહેતા દિપ્તી મિસ્ત્રી કહે છે કે લેસ્ટરમાં આ પ્રકારની ઘટનાઓ અગાઉ ક્યારેય બની નથી તેના કારણે અમે ઘણા આઘાતમાં છીએ. લેસ્ટર તેની વૈવિધ્યતા અને વિવિધ સમુદાયોની એકતા માટે જાણીતું છે. અમે પાડોશીઓ અને સહયોગીઓ સાથે પરિવાર જેવા સંબંધો ધરાવીએ છીએ. વિવિધ સમુદાયોના આગેવાનોએ આગળ આવીને શાંતિની સ્થાપના માટે પોતાના સમુદાયના લોકોને માર્ગદર્શન આપવું જોઇએ.

ધાર્મિક આગેવાનો શહેરની ભયમુક્ત સ્વતંત્રતાની જાળવણી કરે – સ્મિતાબેન શાહ

સ્મિતાબેન શાહ કહે છે કે હું આશા રાખું છું કે દાયકાઓથી પ્રવર્તતા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને ભયનો ઓથાર કચડી નહીં નાખે. ધાર્મિક આગેવાનોએ શહેરની ભયમુક્ત સ્વતંત્રતાની જાળવણી કરવી જોઇએ. આ ફક્ત ક્રિકેટ કે હિન્દુ-મુસ્લિમનો મામલો નથી પરંતુ ઘણા પરિબળો અને મુદ્દાઓની સમીક્ષા કરવી પડશે. લેસ્ટરની પ્રતિષ્ઠાની જાળવણી માટે પ્રયાસો કરાશે.

અફવાઓના કારણે નિર્દોષ લોકોને અસર થાય છે – અલ્પા સૂચક

અલ્પા સૂચકે જણાવ્યું હતું કે, હકીકતોને મારી મચડીને રજૂ કરવામાં આવી રહી છે. બધા સમાચાર સાચા હોતા નથી. વાસ્તવિકતા જાણ્યા વિના જ કેટલીક ઘટનાઓને વધારી ચડાવીને રજૂ કરવામાં આવી રહી છે. તેના કારણે નિર્દોષ લોકોને અસર થઇ રહી છે. સ્થાનિક સત્તાવાળાઓ સ્થિતિને નિયંત્રણમાં લેવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે.

આ પ્રકારની હિંસાથી કોઇ સમુદાયને લાભ થવાનો નથી – નાગાર્જુન

બિઝનેસમેન નાગાર્જુન કહે છે કે આ પ્રકારની હિંસાથી કોઇ સમુદાયને લાભ થવાનો નથી. ઘણા યુવાનો આ હિંસામાં જોડાઇ રહ્યાં છે. આગેવાનોએ યુવાનોને હિંસામાં જોડાતા અટકાવવા જોઇએ. બંને સમુદાયોએ સમાધાનકારી વલણ અપનાવીને એકબીજાનું સન્માન જાળવવું જોઇએ કારણ કે બંને સમુદાય બ્રિટનના અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યાં છે. લેસ્ટરશાયરની પોલીસ ઉમદા કામગીરી કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter