લેસ્ટરમાં બ્રિટન માટે શહીદી વહોરનાર શિખ સૈનિકોની યાદમાં પ્રતિમા સ્થાપિત કરાઇ

અજાણ્યા દેશ માટે હજારો માઇલ દૂર જઇને શહાદત વહોરાનાર શિખ બહાદૂરો પર અમને ગૌરવ – શિખ સમુદાય

Wednesday 09th November 2022 05:22 EST
 
 

લંડન

બે વિશ્વયુદ્ધ અને વિશ્વના અન્ય ભાગોમાં થયેલા યુદ્ધોમાં બ્રિટન વતી લડનાર શિખ સૈનિકોના સન્માનમાં લેસ્ટર ખાતે શિખ મેમોરિયલ પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી છે. બર્મિંગહામ સ્થિત શિલ્પકાર તરનજિતસિંહ દ્વારા કાંસામાંથી તૈયાર કરાયેલી આ પ્રતિમા પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેના વતી લડનાર શિખ સૈનિકની છે. રવિવારે બ્રિટિશ સેનાના અધિકારીઓ, કેડેટ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને શિખ સમુદાયના પ્રતિનિધિઓની હાજરીમાં આ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદો તનમનજિતસિંહ ઢેસી અને ક્લાઉડિયા વેબ્બે પણ હાજર રહ્યાં હતાં.

આ પ્રતિમા વિક્ટોરિયા પાર્કમાં આર્ક ઓફ રિમેમ્બરન્સની બાજુમાં ગ્રેનાઇટની પ્લિન્થ પર અનાવૃત કરાઇ છે. આર્ક ઓફ રિમેમ્બરન્સ પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા લેસ્ટરના જવાનોની સ્મૃતિમાં તૈયાર કરાયો હતો અને તેની ડિઝાઇન નવી દિલ્હીમાં બ્રિટિશ ઇમારતોની ડિઝાઇન તૈયાર કરનાર સર એડવિન લ્યુટિયન્સ દ્વારા તૈયાર કરાઇ હતી.

લેસ્ટરમાં આ પ્રતિમા સ્થાપવાનો સૌપ્રથમ વિચાર સ્વર્ગસ્થ કાઉન્સિલર કુલદિપસિંહ ભટ્ટી દ્વારા રજૂ કરાયો હતો. 2015માં આ માટે શિખ મેમોરિયલ કમિટીની રચના કરાઇ હતી. આ પ્રતિમા તૈયાર કરવા માટે શિખ સંગઠનો દ્વારા ભંડોળ એકત્ર કરાયું હતું. કમિટીના અધ્યક્ષ અજમેરસિંહ બસરાએ જણાવ્યું હતું કે, જેને જાણતા નહોતા તેવા દેશ માટે લડવા હજારો માઇલની સફર કરીને આવેલા બહાદૂરોએ આપેલા બલિદાનોની યાદ તાજી કરતી પ્રતિમાનું અનાવરણ કરતાં અમે ગૌરવ અનુભવી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter