લંડનઃ લેસ્ટરમાં 12 મિલ્ટન રોડ ખાતે બ્રિટ્સ દેશી સોસાયટીની ઓફિસ સામેની એક દિવાલ પર મા દુર્ગાની અપમાનજનક તસવીરના કારણે લેસ્ટર સહિત સમગ્ર યુકેના હિન્દુ સમુદાયની લાગણી પર કુઠારાઘાત થયો છે.
બ્રિટ્સ દેશી સોસાયટીના ચેરમેન રિશુ વાલિયાએ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર લિસા નંદી, હાઉસિંગ મિનિસ્ટ્રીના પાર્લામેન્ટ અંડર સેક્રેટરી સાંસદ મિયાત્તા ફાહ્નબુલ્લેહ, લેસ્ટર ઇસ્ટના સાંસદ શિવાની રાજા, લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન અને લેસ્ટરના મેયરને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, 26 સપ્ટેમ્બર 2025ની બપોરે એક પેઇન્ટર દિવાલ પર એક મહિલા વાઘ પર સવારી કરતી હોય તેવું ચિત્ર બનાવી રહ્યો હતો. અધૂરા ચિત્રની વચ્ચે હિન્દુ ધર્મના પવિત્ર પ્રતિક ઓમને પણ ચિતરવાનો હતો. હિન્દુઓમાં મા આધ્યાશક્તિ સૌથી વધુ પૂજાતા દેવી છે. ચિત્રકાર જે ચિત્ર બનાવી રહ્યો હતો તે મા આધ્યાશક્તિને રજૂ કરે તેવી જ ભાવના ઉજાગર થતી હતી. જોકે આ ચિત્ર આધુનિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેનાથી હિન્દુ સમુદાયની લાગણીને ઠેસ પહોંચી હતી.
રિશુ વાલિયાએ જણાવ્યું હતું કે, અમે પેઇન્ટર શિરાઝ અલીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, લેસ્ટર સિટી કાઉન્સિલની પરવાનગીથી તેની કંપનીએ આ કામ સોંપ્યું હતું. અમે તેને ચિત્રની ઓરિજિનલ ડિઝાઇન અંગે તેણે જે ડિઝાઇન રજૂ કરી તેનાથી અમારી ચિંતાને વેગ મળ્યો હતો. અલીને હિન્દુ ધર્મ કે તેના પ્રતિકોની જાણકારી નહોતી. અમારી વિનંતી તેણે સ્વીકારીને તેણે ચિત્રમાંથી ઓમને હટાવી દીધું હતું.
વાલિયાએ આરોપ મૂક્યો હતો કે સ્થાનિક હિન્દુ આગેવાનોનો સંપર્ક કર્યા વિના આ પ્રકારના આર્ટવર્કને મંજૂરી અપાઇ તેની મુખ્ય જવાબદારી લેસ્ટર સિટી કાઉન્સિલની છે. લેસ્ટરમાં 92000થી વધુ હિન્દુ વસવાટ કરે છે અને 40 મંદિર આવેલાં છે. મા દુર્ગાને અપમાનજનક રીતે રજૂ કરવા સામે અમે વિરોધ નોંધાવીએ છીએ. હિન્દુઓના પવિત્ર માસમાં આ પ્રકારના આર્ટવર્કને મંજૂરીથી બિનજરૂરી તણાવ પણ સર્જાઇ શકે છે. અમારી યુકે સરકારને વિનંતી છે કે જાહેર સ્થળોએ ધાર્મિક ચિત્રોને મંજૂરી આપતા પહેલાં લેસ્ટર સિટી કાઉન્સિલને હિન્દુ અગ્રણીઓ અથવા ભારતીય હાઇ કમિશનનો સંપર્ક કરવા નિર્દેશ આપે.


